રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા અનુસાર ગોગો પેપર, રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી સામગ્રી પર તાત્કાલિક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. કેટલાક યુવાનો અને કિશોરો દ્વારા આ પેપર્સનો નશીલા પદાર્થોના સેવન માટે વ્યાપક ઉપયોગ થતો હોવાની ચિંતા સામાજિક સંગઠનોએ વ્યક્ત કરી હતી, જેને પગલે રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.જેમાં ઝેરી પદાર્થ જે માનવ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડતા હોય તેવા રોલિંગ પેપર ગોગા સ્મોકિંગ કોન હોય પરફેક્ટ રોલની વસ્તુઓ હોય તે સંદર્ભે જાહેરનામું બહાર પાડ્યુ હતું.પ્રતિબંધિત સામગ્રીમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ જેવા ઝેરી પદાર્થો હોવાની શક્યતા હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામા બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવી છે. શહેરના પાન પાર્લર, ચા દુકાનો અને કરિયાણાની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દુકાનદારોને પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે.આ દરમિયાન વડોદરા નવાપુરા પોલીસ મથક દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. નવાપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આર.જે. સોલંકી અને તેમની ટીમે રાજમહેલ રોડ વેરાઈ માતા ચોક પાસે આવેલી રાધે સેલ્સમાં દરોડો પાડી ગોગો પેપર, સ્મોકિંગ કોન સહિત અંદાજે રૂ. 2 લાખ 5 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે કુલ 56 બોક્સ સીલ કર્યા છે.ઝડપાયેલા મુદ્દામાલમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ સહિત અન્ય ઝેરી પદાર્થો હોવાની શક્યતા છે, જેને લઈ મુદ્દામાલનું વૈજ્ઞાનિક પદ્ધતિથી પૃથક્કરણ કરવામાં આવશે. જાહેરનામાનો ભંગ કરવા બદલ દુકાનદાર ગિરીશ ભારવાની સામે BNS કલમ 223 હેઠળ ગુનો નોંધવામાં આવશે.વડોદરા પોલીસ દ્વારા આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવા ચેકિંગ અભિયાન વધુ કડક બનાવવામાં આવશે. પોલીસ તંત્રએ યુવાધનને નશાની લતથી દૂર રાખવા અપીલ કરી છે અને આવી કોઈ પણ પ્રતિબંધિત સામગ્રી નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા કહ્યું છે.સમગ્ર બાબતે ડીસીપી ઝોન 2 મંજીતા વણઝારા, દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી
