તરસાલી વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાનો પોલીસ દ્રારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. સોસાયટીની જ એક મહિલાએ ઘરમાં રહેલી અન્ય મહિલાને વોશરૂમમાં પૂરી દઈ મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ ઉઠાવી જવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે આરોપી મહિલાને ઝડપીને રૂ. 3 લાખના દાગીના કબજે કર્યા છે.મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તરસાલી ખાતે વિજયનગર નજીક મહાકાળી માતાના મંદિર પાસે રહેતી મીનાક્ષીબેન નિર્મલભાઈ રાજપુત રહે છે તા. 30ના રોજ સવારે પતિ નાસ્તાની લારી પર ગયેલા હોવાથી મોટો પુત્ર સિદ્ધેશ નાસ્તાનો સામાન આપવા બહાર ગયો હતો, ત્યારે મીનાક્ષીબેન ઘરના કામમાં વ્યસ્ત હતા અને નાનો પુત્ર કિર્તેશ ઊંઘતો હતો.આ દરમિયાન મીનાક્ષીબેન વોશરૂમમાં હતા ત્યારે હોલના કબાટ ખોલવાનો અવાજ સંભળાતા તેમણે વોશરૂમનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બહારથી દરવાજો બંધ હોવાથી દરવાજો ખૂલ્યો નહોતો. તેમણે અંદરથી બૂમાબૂમ કરતા નાનો પુત્ર જાગી ગયો અને તેણે દરવાજો ખોલ્યો. તપાસ કરતા જાણવા મળ્યું કે હોલના લોકરમાંથી લગ્ન સમયે મળેલા સોનાના દાગીના અને રૂ. 20,000 રોકડની ચોરી થઈ હતી.
બનાવની તપાસમાં જોડાયેલ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ તેમજ ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા ચોરીનો ભેદ ઉકેલ્યો. હતો તપાસ દરમિયાન પોલીસને અમીશ્રદ્ધા વુડા નજીક એક મહિલા શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી તેની પાસેથી રૂ. 3 લાખના સોનાના દાગીના મળી આવતા પોલીસે પૂછપરછ કરતા તેનું નામ નીતુ અલ્કેશભાઈ શાહ નામની આ મહિલા વિજયનગર સોસાયટીમાં જ રહેતી હોવાનું બહાર આવ્યું હતું.પોલીસ પૂછપરછમાં આરોપી મહિલાએ ત્રણ દિવસ પહેલા બનેલી ચોરીની કબૂલાત કરી હતી.પોલીસે આરોપી મહિલાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે તેમજ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.
