અટલાદરા વિસ્તારમાં ચાલુ વરસાદે રોડ પર ડામર પાથરી તંત્રએ પોતાની “સ્માર્ટ બુદ્ધિ” નુ પ્રદર્શન કર્યું છે – પ્રજાના નાણાંનો બેફામ વેડફાટ થતા જાગૃત નાગરિકે તંત્ર સામે નારાજગી દર્શાવી છે
વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીના નામે પાલિકાના સત્તાધીશો અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. પ્રજાથી વસુલાતા ટેક્સના નાણાં કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે ખર્ચાઈ રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે અટલાદરા વિસ્તારમાં થયેલી તાજેતરની ઘટના ચર્ચાનો વિષય બની છે.
ચાલુ ચોમાસામાં રોડ પરના ખાડા પુરવા તેમજ રોડ સુધારણા માટે થતી કામગીરી સવાલોના ઘેરામાં આવી છે ગુણવત્તા યુક્ત કામગીરી કરાવવાની જગ્યાએ તંત્રે સમજણ ગુમાવી દીધી હોય તેવી કામગીરી કરવામાં આવી છે. આજે અટલાદરા પોલીસ મથક નજીક પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા વરસાદ દરમિયાન જ રોડ પર ડામર પાથરવામાં આવ્યું અને તેના પર રોલર ફેરવાયુ પરંતુ આ કાર્યની ગુણવત્તા એટલી નબળી હતી કે, કામ પૂરું થવા સાથે જ ડામરના પોપડા હાથમાં આવી જતા હતા.
આ બેદરકારી સામે વોર્ડ નં. 11 ના કોંગ્રેસના અગ્રણી રાકેશ ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું કે, “ચાલુ વરસાદે ડામર ક્યારેય ચોંટતું નથી તે દરેકને ખબર છે, છતાં તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ બુદ્ધિનું ખોટું પ્રદર્શન કર્યું છે. આ કામગીરી માત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડવા માટે જ કરવામાં આવી છે. ગુણવત્તા વિનાનો આ રોડ 24 કલાક પણ ટકી શકશે તેમ નથી. એટલે ફરી રોડ બનાવવા પ્રજાના જ નાણાં વેડફાવવાના છે.”
શહેરભરમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળે છે, છતાં પાલિકા તંત્રની કામગીરી નાગરિકોને રાહત આપવા કરતાં નાણાંનો બેફામ વેડફાટ કરે છે. સતત વરસાદ વચ્ચે આવા રસ્તા બનાવવાના નામે અધિકારી અને કોન્ટ્રાક્ટરની લાપરવાહી સામે નાગરિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
