ચોમાસાની ઋતુ કુદરતનો તહેવાર છે. મેઘરાજા વરસે ત્યારે ધરતી હરિયાળી ઓઢી લે છે, હવા ઠંડકથી ભરી જાય છે અને વરસાદના ટીપાં સાથે મનને નવી તાજગી મળે છે. ચા-પકોડાની મજા, મિત્રોની સાથે વરસાદમાં ભીંજાવાનો આનંદ – આ બધું ચોમાસાને માણવા લાયક બનાવે છે. ખેડૂતના ખેતરો લીલાછમ બની જાય છે, તળાવો-નદીઓ છલોછલ ભરાઈ જાય છે અને ધરતી પર જીવંતપણું છવાઈ જાય છે.
પરંતુ આ બધાની વચ્ચે, જ્યારે શહેરમાં તંત્ર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીમાં લાપરવાઈ થતી હોય છે ત્યારે આ આનંદ લોકો માટે મુશ્કેલીમાં ફેરવાઈ જાય છે. અર્ધવટા સાફ કરાયેલા નાળા, અધૂરા રોડવર્ક, પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ જવો, નાગરિકોને ઘરમાંથી બહાર નીકળવું પણ દૂષ્કર બનવું – આ દ્રશ્યો ચોમાસાના આનંદને છીનવી લે છે.
એક બાજુ કુદરત જીવનમાં ખુશી ભરી રહી છે, તો બીજી બાજુ વહીવટી તંત્રની બેદરકારી એ ખુશીને કંટાળામાં ફેરવે છે. જો તંત્ર પોતાની જવાબદારી સમયસર નિભાવે, તો નાગરિકો ચોમાસાની સુંદરતા અને કુદરતી તહેવારનો સાચો આનંદ માણી શકે.
વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ જ વરસાદે જોર પકડતાં મધ્યાહ્ન સુધી ધોધમાર મેહુલિયા વરસ્યા હતા. “ભાદરવો ભરપૂર” એવી ઉક્તિને સાકાર કરતાં શહેરમાં 11 વાગ્યા સુધી અંદાજે બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે
વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોની મુશ્કેલી વધી હતી. પાણી ભરાતા લોકોનું ઘરેથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું.કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા લોકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી હતી કેટલાક સ્થળોએ વાહનચાલકોને લાંબા ટ્રાફિક જામની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
સતત વરસતા વરસાદના કારણે શહેરનું તાપમાન ઘટતા લોકોને ગરમીથી રાહત મળી હતી
