વડોદરા શહેરની 10 વર્ષની અનન્યા રાજપૂતે ચાલતી ટ્રેનમાં લખેલા પોતાના પ્રથમ પુસ્તક માટે રાજ્ય કક્ષાનું સર્ટિફિકેટ મેળવતા સમગ્ર ગુજરાતે ગૌરવની લાગણી અનુભવી છે. આજના સમયમાં બાળકોના હાથમાં મોબાઇલ જોવા સામાન્ય છે, પરંતુ સર્જનાત્મકતા તરફ આકર્ષણ ધરાવતા બાળકો બહુ ઓછા જોવા મળે છે. આવા સમયમાં અનન્યાએ સાબિત કર્યું છે કે કલ્પનાની કોઈ સીમા નથી—ટ્રેનની મુસાફરી પણ સર્જન માટે એક સુંદર મંચ બની શકે છે.
રાષ્ટ્રીય યુવા લેખક મેળો (NYAF) 2025-26 એક વૈશ્વિક ઓનલાઈન પુસ્તક-લેખન સ્પર્ધા છે, જે બ્રિબુક્સ અને એજ્યુકેશન વર્લ્ડ દ્વારા 2 ઓક્ટોબર 2025ના રોજ શરૂ કરવામાં આવી હતી. 3 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે યોજાતી આ સ્પર્ધામાં પુસ્તકલેખન અને પ્રકાશન બંનેની તક મફતમાં મળે છે. પગલું-દર-પગલું માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ પોતાની કલ્પનાઓને પુસ્તક રૂપે ઢાળી શકે છે અને પ્રમાણપત્રો તથા પુરસ્કારો પણ મેળવી શકે છે.
અનન્યાએ તેનું પુસ્તક ‘ભૂમિ ટુ ધ બીચ’ રાજસ્થાનથી વડોદરા પરત ફરતી વખતે ચાલતી ટ્રેનમાં લખ્યું હતું. તેના પિતાએ મુસાફરી દરમિયાન મોબાઇલનો ઉપયોગ ન કરવા અને કંઈક સર્જનાત્મક કરવા પ્રેરિત કર્યું, અને અનન્યાએ પિતાની સલાહને હૃદયથી સ્વીકારી. માત્ર ડિજિટલ નોટપેડ અને પોતાની કલ્પનાશક્તિ સાથે તેણે વાર્તા લખવાની શરૂઆત કરી અને મુસાફરી પૂરી થાય તે પહેલાં આખું પુસ્તક તૈયાર થયું. એક છોકરીની બીચ પર જવાની ઉત્સુક સફર પર આધારિત આ પુસ્તકને વાચકોનો પણ ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં લગભગ 36 લોકોએ આ પુસ્તક ઓનલાઈન ખરીદી પણ લીધો છે.
અનન્યાની આ સિદ્ધિ માત્ર એક પુરસ્કાર નથી, પરંતુ એ સંદેશ છે કે યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તો બાળકોમાં રહેલી પ્રતિભા અનંત ઉંચાઈએ પહોંચી શકે છે. મોબાઇલના યુગમાં પણ સર્જનાત્મકતા કેવી રીતે ખીલી શકે તેનો આ એક પ્રેરણાદાયક ઉદાહરણ છે. અનન્યા પોતાની સિદ્ધિથી ખુશ છે અને ઇચ્છે છે કે અન્ય બાળકો પણ સ્ક્રીનથી દૂર રહી પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાની દુનિયામાં પગલું ભરે.
વડોદરાની આ નાની બાળ લેખિકા રાજ્ય સ્તરે નામ કમાઈ રહી છે અને અનેક બાળકો તથા માતા-પિતાને પ્રેરણા આપી રહી છે.
