વડોદરા : નેશનલ હાઈવે પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, કેબિનમાં ફસાયેલા ડ્રાઇવરને પતરા કાપી બહાર કાઢાયો
વડોદરા નજીક આવેલા અમદાવાદ–મુંબઈ નેશનલ હાઈવે પર પોર બ્રિજ પાસે ગત 5 ઓક્ટોબરની મોડી રાત્રે બે ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એક ટ્રક પાછળથી અન્ય ટ્રક સાથે ધડાકાભેર અથડાતા, એક ટ્રકનો ચાલક કેબીનમાં ફસાઈ ગયો હતો.
અકસ્માતની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડ તથા સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કેબિનના પતરા કાપીને ભારે જહેમત બાદ ઇજાગ્રસ્ત ચાલકને બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
આ અકસ્માતના કારણે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના પગલે અન્ય વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હટાવી માર્ગ પુનઃ સામાન્ય કર્યો હતો, જેના કારણે વાહન ચાલકોને રાહત મળી હતી.
