વડોદરા પોલીસ દ્વારા લાંબા સમયથી ફરાર પરપ્રાંતીય આરોપીઓને ઝડપી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ દરમિયાન વધુ ત્રણ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, વર્ષ 2012માં મકરપુરા પોલીસ સ્ટેશનમાં યુનિનોર કંપનીની ફ્રેન્ચાઇઝીના નામે રૂ. અઢી લાખની ઠગાઇનો બનાવ નોંધાયો હતો. આ કેસમાં પકડાયેલો આરોપી મહંમદ સલમાન હનિફ શેખ પોલીસ કસ્ટડી દરમિયાન હાથકડી કાઢીને ફરાર થઈ ગયો હતો. લાંબા સમયથી વોન્ટેડ રહેલા આ આરોપીને વડોદરા પોલીસે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ ખાતેથી દબોચી લીધો છે.
આ જ ગુનામાં જે બેન્ક એકાઉન્ટમાં ઠગાઇની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી, તે એકાઉન્ટ ધારક આરોપી મહંમદ ઉન્નાબ મહોબત અલી પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસએ તપાસના આધારે તેને પણ ઝડપી પાડ્યો છે.તેમજ વર્ષ 2015માં આંધ્રપ્રદેશ ખાતે ટ્રક લઇ જવાના બહાને ટ્રક લઇને ફરાર થયેલા જુબેર ઉર્ફે જાવેદ અહેમદ મહંમદ સલીમ (રહે. પ્રતાપગઢ, યુપી)ને ક્રાઇમ બ્રાન્ચે કરજણ ટોલનાકા પાસેથી ઝડપી લીધો હતો. આ આરોપીને આગળની કાર્યવાહી માટે ફતેગંજ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
