ભાવનગર શહેરમાં એક પરિણીત મહીલાએ પોતાના સગા દેરાણીના ભાઈ વિરુદ્ધ છેડતી, પીછો કરવો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. લગભગ સાડા ચાર વર્ષથી ચાલતી આ હેરાનગતિથી કંટાળીને મહિલાએ 112 પર કોલ કરીને પોલીસને મદદ માટે બોલાવી હતી. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના સૂત્રો અનુસાર, ફરિયાદી સમીનાબેને જણાવ્યું છે કે લગભગ પાંચ વર્ષ પહેલા ઝુબેર, જે તેમના દેરાણીનો સગો ભાઈ છે, સાથે ફોન અને મેસેજ દ્વારા સંબંધ હતા, પરંતુ પરિવારમાં જાણ થતાં પાંચ મહિનામાં જ આ સંબંધ તોડી નાખવામાં આવ્યો હતો. છતાં, સંબંધ તૂટ્યા બાદ ઝુબેર સતત તેમને મળવાનો પ્રયત્ન કરતો, વાતચીત કરવા દબાણ કરતો અને સંબંધ રાખવા માટે બળજબરી કરતો હતો. સમીનાબેને બે વર્ષ પહેલા પણ ઝુબેરના દબાણનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સંબંધીઓ વચ્ચેનો મામલો હોવાથી તેમણે પોલીસે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. ગત 5 ડિસેમ્બરનાં રોજ માસીની દીકરીના નિકાહ પ્રસંગ દરમિયાન પણ ઝુબેર હાજર હતો. ફરિયાદ પ્રમાણે, ઝુબેર સમીનાબેન જ્યાં જાય ત્યાં પાછળ પાછળ ફરી રહ્યો હતો અને વાતચીત માટે દબાણ કરતો હતો. તેઓ ઘરની બહાર નીકળ્યા ત્યારે ઝુબેર ત્યાં પહોંચી ગયો અને ધમકી આપી કે, “તું સંબંધ નહીં રાખે તો હું તારો પીછો કરીશ.” સાથે જ તેણે કહ્યું, “જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તારા પતિ અને પરિવારને જાનથી મારી નાખીશ.”સતત વધતી હેરાનગતિ અને જીવને જોખમ કરતી ધમકીઓથી પરેશાન સમીનાબેને તરત જ 112 પર ફોન કર્યો અને પોલીસને બોલાવી. હતી ત્યારબાદ પોલીસે ઝુબેર આફીરભાઈ લાકડીયા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
