વોર્ડ નંબર 15 વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા નજીક ફરી એક વખત 10 ફૂટ ઊંડો ભુવાનુ તંત્રના પ્રતાપે નિર્માણ થયુ છે.
શહેર સ્માર્ટ સિટીના દાવાઓ કરે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે હવે વડોદરા ભુવા નગરી તરીકે ઓળખાવા લાગ્યું છે.જેનું કારણ સતાધીશો વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરો છે શહેરના અનેક વિસ્તારોમાં સતત પડી રહેલા ભુવાઓની સીરીઝ આજે પણ યથાવત છે. રોડ પર રોડ બન્યા, કરોડો રૂપિયાનું બજેટ વપરાયું, પરંતુ ગુણવત્તા ક્યાંક રસ્તામાં જ ખોવાઈ ગઈ હોય એવું લાગે છે. . હાલની પરિસ્થિતિ તો એટલી ગંભીર છે કે હાથથી પોપડા ઉખડી જાય તેવું મટીરીયલ વાપરીને માર્ગો બનાવાતા હોવાના આક્ષેપો ઊઠી રહ્યાં છે.
પરિવાર ચાર રસ્તા પાસે તો અગાઉ પણ ત્રણ જેટલા ભુવા પડી ચૂક્યા છે. હવે ફરી એક નવો ભુવ પડ્યો છે ઉપરથી નાનો દેખાતો અને અંદરથી 10 ફૂટ જેટલો ઊંડો આ ભુવો પાલિકા તંત્રના વિકાસની વાતોની પોલ ખોલી રહ્યો છે —સુરક્ષા માટે ગંભીર પ્રશ્નો ઊભા કરી રહ્યો છે. હાલ આ સ્થળે બેરિકેડ મૂકી કોર્ડન કરવામાં આવ્યું છે, છતાં વાહનચાલકો માટે મોટી દુર્ઘટનાનું જોખમ યથાવત છે.
વિસ્તારના જાગૃત આગેવાન મેહુલભાઇએ આ સમગ્ર ઘટનાને લઈને કોન્ટ્રાક્ટર અને કેટલાક અધિકારીઓ વચ્ચેની મિલીભગતને જવાબદાર ગણાવી છે. તેમજ સત્તાધિશો સામે પણ નારાજગી દર્શાવી હતી ગુણવત્તા પર ધ્યાન આપવાને બદલે તંત્ર અને સત્તાધીશો માત્ર કાગળ પરના સ્માર્ટ સિટીના સપના જ બતાવે છે, જ્યારે તેના પરિણામો પ્રજાને જ ભોગવવા પડે છે.
સ્વચ્છતા, સુવિધા અને સુરક્ષાની વાતો કરતા વડોદરામાં જો આ રીતે ભુવા પડતા રહેશે, તો સ્માર્ટ સિટીની કલ્પના માત્ર કલ્પના જ બની રહેશે— અને નાગરિકો માટે રોજિંદી મુસાફરી જોખમભરી જ રહેશે.
આશા રાખીએ કે હજુ તંત્ર આ મુદ્દે ગંભીર બની વડોદરા શહેરને ભુવા વગરના શહેર તરીકે બનાવીને પ્રજા ટેક્સના પૈસાનું વળતર આપશે
