મતદાર યાદી સુધારણા માટે વડોદરામાં વિશેષ કેમ્પ યોજાયો હતો ‘સમયમર્યાદા ૧૧ ડિસેમ્બર સુધી વધારાઈ છે
સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન (એસઆરઆર) હેઠળ ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશ દરમિયાન ભરેલ ફોર્મ સ્વીકારવા વડોદરા શહેર અને જિલ્લાના દરેક મતદાન મથકો ખાતે ખાસ કેમ્પ યોજાયો હતો.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં મતદાર યાદી સુધારણા માટે વિશેષ કેમ્પ યોજાયો હતો. મતદાર યાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં અગાઉ ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ ૪ ડિસેમ્બર હતી, પરંતુ નાગરિકોની સુવિધા માટે તેને વધારીને હવે ૧૧ ડિસેમ્બર કરી દેવામાં આવી છે.આ પહેલા શહેર અને જિલ્લાના તમામ મતદાન મથકો પર ખાસ કેમ્પ યોજાઈ ચૂક્યા છે. ત્યાર બાદ જુદા જુદા વિધાનસભા વિસ્તારોમાં પણ કેમ્પ યોજાયા હતા. હવે ફરી એકવાર તમામ વિસ્તારોમાં વિશેષ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.વડોદરા શહેર અને જિલ્લાના ૧૦ વિધાનસભા વિસ્તારોમાં આવેલી કુલ ૨૫૭૫ મતદાન મથકો પર બી.એલ.ઓ. દ્વારા મતદારોને વર્ષ ૨૦૦૨ની મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસવાની, જરૂરી ફોર્મ ભરવાની અને ભરેલા ફોર્મ સ્વીકારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.બી.એલ.ઓ. દ્વારા નાગરિકોના સહકારથી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા ઝડપી ગતિએ ચાલુ છે, જેથી આવનાર ચુંટણીઓ પહેલા દરેક યોગ્ય મતદારનું નામ યાદીમાં સામેલ થઈ શકે.
