વડોદરા શહેરના કારેલીબાગ વીઆઈપી રોડ વિસ્તારમાં આવેલી પેટ ડોગની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. દુકાનના સંચાલક અંકુરભાઈ મહેતાએ જણાવ્યું મુજબ, ત્રણ મહિનાથી દુકાનમાં કામ કરતો અને મૂળ મુંબઈનો રહેવાસી રોહિત સાલવી રાત્રે દુકાનમાંથી રોકડ તેમજ મોબાઈલ ચોરી કરી ફરાર થયો હતો.અંકુરભાઈએ જણાવ્યું કે રોહિત સાલવી અગાઉ પણ દુકાનમાં કામ કરી ગયો હતો. ત્રણ મહિના પહેલા તે ફરી આવ્યો અને કામ માગ્યું હતું, તેથી તેને ફરી રાખવામાં આવ્યો હતો. ગઈકાલે તેણે પૈસાની જરૂરિયાત જણાવી હતી જેથી તેની માતાને જીપે દ્વારા 3,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
પરંતુ તે બાદ રાત્રે બે વાગીને 28 મિનિટે રોહિત સાલવી દુકાનમાં પ્રવેશ્યો અને કુલ ₹49,700 રોકડ તથા દુકાનમાં રાખેલા બે મોબાઇલની ચોરી કરી ફરાર થયો હતો.સવારના સમયે અંકુરભાઈના મોબાઈલ પર સીસીટીવી સંદર્ભિત એલર્ટ આવતાં તપાસ કરવામાં આવી હતી, જેમાં ચોરીની વાત સામે આવી હતી. સીસીટીવી ફૂટેજમાં દુકાનમાં કામ કરતો રોહિત સાલવી જ ચોરી કરતો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.ચોરીની ઘટના અંગે હરણી પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે સંચાલક અંકુરભાઈ મહેતાએ વિસ્તૃત માહિતી આપી હતી.
