સુભાનપુરા ખાતે રામેશ્વર મહાદેવ મંદિર દ્વારા ભવ્ય ‘મહા લઘુ રુદ્રયજ્ઞ’ અને મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સુભાનપુરા સ્થિત રેસકોસ ઇન્ડસ્ટ્રીયલ કો. ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી ખાતે આવેલા પૌરાણિક શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે વાર્ષિક ઉજવણીના અવસર પર ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર કમિટીએ દર વર્ષની પરંપરા જાળવી રાખતાં આ વર્ષે પણ ‘મહા લઘુ રુદ્રયજ્ઞ’, ‘છપ્પન ભોગ’ તેમજ ‘મહાભંડારા’નું ભવ્ય આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. મહા લઘુ રુદ્રયજ્ઞનો પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિ મુજબ થયો હતો. વૈદિક મંત્રોચ્ચાર અને પવિત્ર ધુમાડાથી સમગ્ર પરિસર ભક્તિના વાતાવરણમાં રંગાયું હતું યજ્ઞનો લાભ લેવા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિતિ દર્શાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા મંદિર સમિતિ તેમજ સ્થાનિક આગેવાનોનો મહત્વપૂર્ણ સહકાર રહ્યો હતો. શહેર ભાજપના કારોબારી સભ્ય તેમજ વોર્ડ નં. 9 ના પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસ, મંદિર સમિતિના પ્રમુખ કાર્તિક ચૌધરી, ઉદય વિચારે સહિત કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાપૂર્વક તૈયાર કરાયેલ પ્રસાદ ગ્રહણ કરવા ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પ્રસાદ ગ્રહણ કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. શ્રી રામેશ્વર મહાદેવ મંદિર કમિટીએ સફળ આયોજનમાં જોડાયેલા તમામ ભક્તો, સહયોગીઓ અને સ્થાનિક આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
