વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની ચર્ચાએ સ્થાનિક રહીશો અને મોર્નિંગ વોકર્સમાં ભારે અસંતોષ ફેલાયો છે. બગીચાની બાજુમાં જ હોસ્ટેલ બાંધવા માટેની હિલચાલ સામે આજે મોર્નિંગ વોકર્સ તથા રહીશો દ્વારા સૂત્રોચારો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.સ્થાનિકોના જણાવ્યા મુજબ સુભાનપુરા ગાર્ડન આ વિસ્તાર સાથે અન્ય વિસ્તારોના લોકો માટે પણ આશીર્વાદ સમાન છે. સવારે મોટી સંખ્યામાં લોકો અહીં વોકિંગ માટે આવે છે. આસપાસ સરકારી કચેરીઓ તથા હોસ્પિટલ હોવાથી આ માર્ગ પર વાહનવ્યવહાર ભારે રહે છે. ઘણી વખત ટ્રાફિક જામ સર્જાતા એમ્બ્યુલન્સને પણ પસાર થવામાં મુશ્કેલી પડે છે. ત્યારે વર્કિંગ વુમન હોસ્ટેલ અન્ય મુખ્ય માર્ગો પર બને જેથી તેઓને પણ કનેક્ટિવિટી નો પ્રશ્ન ન થાય અને આ વિસ્તારમાં વધુ ભારણ નો પ્રશ્ન ન રહે સ્થાનિકો તથા મોર્નિંગ વોકર્સે જણાવ્યું હતું કે ગાર્ડનની બાજુમાં આવેલ ખાલી પ્લોટમાં અગાઉથી કચરો ઠાલવાતો આવ્યો છે. આ જગ્યા ગાર્ડનને વિસ્તૃત કરવા માટે યોગ્ય છે, તેવી રજૂઆતો પણ અગાઉ પાલિકા સુધી પહોંચાડવામાં આવી હતી, પરંતુ “એસએસસી બોર્ડની જમીન” કહીને રજૂઆતો નકારી દેવામાં આવી હતી. હવે એ જ જમીન પર વુમન હોસ્ટેલ બનાવવા માટેની હિલચાલ શરૂ થતાં સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.લોકોનુ કહેવું છે કે પર્યાવરણની હાલની સ્થિતિને જોતા શહેરમાં લીલોતરીનું જતન અને વિસ્તરણ જરૂરી છે. “બદામડી બાગ”ના અડધા ભાગને સિમેન્ટ-કોંક્રિટના જંગલમાં પાલીકા દ્રારા ફેરવી દેવામા આવ્યો છે, હાલમાં એર ક્વોલીટી ઇન્ડેક્સના પ્રશ્નો સામે આવી રહ્યા છે ત્યારે વધુ બાગ બગીચા બને તે જરૂરી છે અને મહત્વનું છે મહાનગરપાલિકા વિકાસને માત્ર કંક્રીટના બાંધકામ સુધી મર્યાદિત માને છે.જેમાં બદલાવ જરૂરી છે.સ્થાનિકોની સ્પષ્ટ માંગ છે કે વર્કિંગ વુમન હોસ્ટેલ માટે અન્ય યોગ્ય સ્થળ પસંદ કરવામાં આવે અને આ ખાલી પ્લોટને ગાર્ડન તરીકે વિકસાવી જાહેર ઉપયોગ માટે જાળવી રાખવામાં આવે. તેમણે સીએમથી લઈને મહાનગરપાલિકા સુધી તમામ સ્તરે ગાર્ડનને એક્સ્ટેન્ડ કરવાની માંગ પણ પુનરાવર્તન કરી છે.મોર્નિંગ વોકર્સ તથા રહીશો દ્વારા આજે મીડિયા સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે જો આવશ્યક હોય તો આવનારા સમયમાં આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે.
