વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વડસર ગામે ગોચરમાં ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ સામે એલસીબી ઝોન-3ની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. વિશ્વામિત્રીની કોતરોમાં લાંબા સમયથી દેશી દારૂની ભઠ્ઠીઓ બિન્દાસ ધમધમી રહી હોવાની ચોક્કસ માહિતી મળતા ડીસીપીની સૂચના હેઠળ સ્પેશિયલ રેડ કરવામાં આવી હતી. એલસીબીની ટીમે વડસર ગામ ખાતે રેડ કરી ત્રણ મહિલા બુટલેગરને ઝડપી પાડ્યા હતા. જેમાં સંગીતા માળી, શારદા માળી અને રાધા માળીનો સમાવેશ થાય છે. ત્રણેય મહિલાઓ દેશી દારૂ બનાવવાની અને વેચાણની પ્રવૃત્તિમાં સંકળાયેલી હતી. કામગીરી દરમ્યાન ત્રણ સ્થળેથી દેશી દારૂ, દારૂ બનાવવાનો વોશ સહિત અંદાજે રૂ. 35,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, તેમજ દારૂની ભઠ્ઠીઓનો નાશ પણ કરવામાં આવ્યો હતો. એલસીબી ઝોન-3ની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના ધંધા પર મોટી અસર જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આગળ પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખવાની માહિતી મળેલ છે.
