બી.એલ.ઓ. તરીકે ફરજ બજાવતા ઉષાબેન સોલંકીના દુખદ અવસાન પછી શિક્ષકવર્ગમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રદેશ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું કે “અત્યાર સુધી કુલ 5 શિક્ષકો બી.એલ.ઓ.ની કામગીરી દરમિયાન મોતને ભેટ્યા છે જ્યારે 3 શિક્ષકો ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે.”
દિગ્વિજયસિંહ જાડેજાએ તંત્ર પર ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે શિક્ષકોને સતત નોટિસો આપી માનસિક ત્રાસ આપવામાં આવે છે. “અમે ચૂંટણી પંચ અને શિક્ષણ મંત્રીને રજુઆત કરી છે. બે દિવસમાં ઓનલાઇન કામગીરી માટે અલગ ટીમ ફાળવવાની માંગણી કરીએ છીએ,” એમ તેમણે જણાવ્યું હતુ.તેઓએ વધુમાં ઉમેર્યું કે ગતરોજ એક કલાક માટે ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. “જો આગામી બે-ત્રણ દિવસમાં નિરાકરણ નહીં આવે તો અમને આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. અમે SIR સિસ્ટમની કામગીરીનો બહિષ્કાર કરતા ખચકાઈશું નહીં,” એમ દિગ્વિજયસિંહ જાડેજાએ ચેતવણી આપી હતી. શિક્ષકોને સંદેશ આપતા તેઓએ કહ્યું કે 2 લાખ શિક્ષકોનો પરિવાર સંગઠિત છે, તેથી તંત્રની હેરાનગતિથી માનસિક હતાશ થવાની જરૂર નથી. “શિક્ષક સંઘ હંમેશા તમારી સાથે છે અને લડત આપી રાખશે,” એમ અંતે દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતુ.
