મહારાષ્ટ્ર રાજ્ય બાદ ગુજરાતમાં ઉત્સવ પ્રિય વડોદરામાં ગણેશ ઉત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી થતી હોય છે
ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજીની મૂર્તિને મૂર્તિ કલાકારો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજી વડોદરા શહેરના ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે. ચૌહાન પરિવાર જેઓ છેલ્લા ઘણા વર્ષોથ રાજ મહેલમાં સ્થાપના કરાતા ગણેશજીની મૂર્તિ બનાવે છે. આ મૂર્તિ બનાવતી વખતે ખાસ પ્રકારની કાળજી રાખવી પડે છે.આ મૂર્તિ માટીની હોય છે ઊંચાઈ 36 ઈંચની જ રાખવાની હોય છે. પ્રતિમાની વિશેષતા વિશે વાત કરતા ચૌહાણ પરિવાર કહે છે કે, જે તે સમયે આ પ્રતિમા માટે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તેને લઈને કાશીના પંડિતોને સયાજીરાવ ગાયકવાડે વડોદરા બોલાવ્યા હતા અને પહેલા તો શાસ્ત્રોક્ત રીતે ગણેશ પ્રતિમા કયા પ્રકારની હોવી જોઈએ તેનું ડ્રોઈંગ તૈયાર કરીને બતાવ્યું હતું. પ્રતિમાના નિયમો નક્કી કરાયા હતા અને ત્યારબાદ પ્રતિમા તૈયાર કરનાર મૂર્તિકાર સ્વ. કૃષ્ણારાવ ચવ્હાણ દ્વારા તૈયાર કરાયેલી આ ગણેશ પ્રતિમાને પેલેસમાં બિરાજમાન કરાવવા માટે પસંદ કરવામાં આવી હતી. અને ત્યારથી જ અત્યાર સુધી ગણેશોત્સવમાં પણ આવી જ પ્રતિમા બનાવવામા આવે છે વર્ષોથી લક્ષ્મી વિલાસ પેલેસમાં મૂકવામાં આવતી ગણેશજીની પ્રતિમાની ખાસ વાત એ છે કે, આની ઊંચાઈ 36 ઈંચ અને વજન 90 કિલો હોય છે. જેથી પાલખીની અંદર સરળતાથી ગણપતિની પ્રતિમા બેસાડી શકાય. આ પ્રતિમા બનાવવા માટેની માટી ભાવનગરથી ખાસ મંગાવવામાં આવે છે અને ત્યારબાદ અખાત્રીજના દિવસે રાજમહેલમાંથી પાટલો આવે છે અને આ પાટલાનું પૂજન કરવામાં આવે છે અને અખાત્રીજના દિવસે આ મૂર્તિ બનાવવાની કામગીરી શરૂ થાય છે. ગણેશજીની પ્રતિમા તૈયાર થઈ ગયા બાદ ગણેશ ચતુર્થીના રોજ પાલખીમાં બેસાડીને લઈ જવામાં આવે છે. ગણેશજીની મૂર્તિને ઘરેણાંથી શણગાર કરવામાં આવે છે. જેમાં રાજવી પરિવાર જોડાય છે. વર્ષ 1939થી ચાલી રહેલી આ પ્રથા આજે પણ જીવંત રાખવામાં આવી છે. ગણેશ ચતુર્થી પૂર્વે દરબાર હોલમાં સ્થાપના કરાતા ગણપતિજીની મૂર્તિને મૂર્તિકાર ચૌહાણ પરિવાર આખરી ઓપ આપી રહ્યો છે
