વડોદરા શહેરના સૌથી વ્યસ્ત ગણાતા ફતેહગંજ બુલ સર્કલ નજીક આજે અચાનક થયેલી ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે. અત્યંત વ્યસ્ત વિસ્તારમાં ગટર લાઈનમાંથી અચાનક આગની ઉંચી જ્વાળાઓ ફૂટી નીકળતા વિસ્તારમાં દોડધામ અને ભયનું વાતાવરણ સર્જાયું હતું.પ્રાથમિક માહિતી મુજબ ફતેહગંજ સર્કલ પાસે આવેલા એક મેનહોલમાંથી અચાનક આગ ફાટવા લાગી હતી. સામાન્ય રીતે જ્યાં ભારે વાહનો તથા લોકોએ અવરજવર રહે છે, ત્યાં આ અચાનક ભભૂકતા જ્વાળાઓ દેખાતા જ આસપાસના લોકોમાં હડકંપ મચી ગયો હતો. ઘણા લોકો સલામતી માટે દોડયા, તો કેટલાકે તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી.દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવાનો પ્રયાસ શરૂ કર્યો. આ દરમિયાન ગટર લાઈનની અંદર પ્રચંડ બ્લાસ્ટ થયો, જેના અવાજે સમગ્ર વિસ્તારમાં ક્ષણિક દહેશત ફેલાઈ ગઈ હતી. સદભાગ્યે, સમયસર કાર્યવાહી થતાં આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી અને કોઈ ઈજાગ્રસ્ત થયુ નથી. પરંતુ આ ઘટનાએ શહેરની ગટર લાઈનોમાં જમા થતા જ્વલનશીલ ગેસ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.વડોદરા મહાનગર પાલિકા માટે આ ઘટના ચેતવણી રૂપ છે. નિષ્ણાતો જણાવે છે કે ગટર લાઈનોનું નિયમિત નિરીક્ષણ, જ્વલનશીલ ગેસના જમા થવાથી બચવા યોગ્ય વેન્ટિલેશન અને સુરક્ષા પ્રોટોકોલનું કડક પાલન અત્યંત આવશ્યક છે. નહીં તો આવી દુર્ઘટનાઓ ભવિષ્યમાં વધુ મોટી આપત્તિને આમંત્રણ આપી શકે છે.ફતેહગંજની આ ઘટના બાદ સ્થાનિકોમાં ચિંતા અને નારાજગી જોવા મળી રહી છે અને જવાબદાર વિભાગો પાસેથી કડક પગલાંની માંગ ઉઠી છે.
