ભાયલી ટીપી-2ના કૃત્રિમ તળાવમાં અવ્યવસ્થા : વોર્ડ 10 કોંગ્રેસનુ પાલિકાને 48 કલાકનુ અલ્ટીમેટમ
વડોદરા શહેરના વોર્ડ નંબર 10 વિસ્તારમાં ભાયલી ટીપી-2 ખાતે બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવની હાલત અંગે ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. વિસર્જન બાદ તળાવમાંથી બહાર કાઢી ન લેવાયેલી ભગવાનની મૂર્તિઓ અને પૂજા સામગ્રી લાંબા સમયથી ત્યાં જ પડેલી જોવા મળતાં સ્થાનિકોમાં વ્યથા અને નારાજગી ફેલાઈ છે.
ધર્મ અને આસ્થાથી જોડાયેલા મુદ્દે આવી અવ્યવસ્થાની સ્થિતિ લોકો માટે વ્યથાજનક બની રહી છે. નિયમ મુજબ વિસર્જન પૂર્ણ થયા બાદ કૃત્રિમ તળાવની યોગ્ય સાફ–સફાઈ અને મૂર્તિઓનો સન્માનપૂર્વક નિકાલ કરવો મહાનગરપાલિકાની જવાબદારી છે. પરંતુ સમયસર કાર્યવાહી ન થતા તળાવની આસપાસ ગંદકી અને લોકોને લાગણી દુભાય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
આ મુદ્દે વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા અને સામાજિક કાર્યકર એડવોકેટ દીપ પરમાર આગળ આવ્યા છે. તેમણે પાલિકાને સ્પષ્ટ કહ્યું છે કે જો 48 કલાકમાં તળાવની સાફ–સફાઈ અને તમામ ધાર્મિક સામગ્રીનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે, તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરશે.
