આણંદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિઝા પ્રક્રિયાના નામે કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર દિનેશ પટેલને આખરે પોલીસે પકડી પાડ્યો છે. આણંદ પોલીસની ઝીણવટભરી તપાસ બાદ દિનેશ પટેલને મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાંથી દબોચવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.આણંદનાં વિદ્યાનગર રોડ પર દિનેશે વિઝા ઓફિસના નામે દુકાન ખોલી અનેક લોકોને વિદેશ મોકલવાની લાલચ આપી ચૂનો લગાવ્યો હતો. દિનેશ છેલ્લા 12 વર્ષથી વિઝા અને ઇમિગ્રેશન ક્ષેત્રે કામકાજના બહાને લોકો સાથે છેતરપિંડી કરતો હતો. પોલીસ અનુસાર દિનેશ પટેલ સામે અમદાવાદ અને ગાંધીનગરમાં કરોડોની છેતરપિંડીના ગુના નોંધાયેલા હતા અને તે વોન્ટેડ હતો.
દિનેશની mo મા એક ખાસ સમાનતા હતી કે તે ઓફિસમાં નવા ભાગીદારો રાખી તેમને પણ છેતરતો અને બાદમાં મોટી રકમ લઇ ગાયબ થઈ જતો. અગાઉ પણ તે પોતાના પરિવારજનો અને ઓળખીતાઓ સાથે ભાગીદારીના નામે છેતરપિંડી કરી ચૂક્યો છે. આણંદ પોલીસને તેની વિરુદ્ધ મળતી ફરીયાદો બાદ દિનેશ શહેરમાંથી ગાયબ થઈ ગયો હતો. પોલીસે એક મહિના સુધી ટેક્નિકલ અને ગોપનિય તપાસ ચલાવીને તેનો પતો લગાવ્યો અને ઇન્દોરમાંથી તેને કાબૂમાં લીધો હતો. દિનેશ પાસેેથી પોલીસે લાખો રૂપિયાની રોકડ રકમ પણ કબ્જે કરી હોવાની માહિતી મળી છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
