ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓએ આજ રોજ પારુલ યુનિવર્સિટી ની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. જીવનમાં પ્રથમવાર યુનિવર્સિટીનો અનુભવ કરતા વિદ્યાર્થીઓ આનંદિત બન્યા હતા.વિદ્યાર્થીઓએ પારુલ પોલિટેક્નિક ઇન્સ્ટિટ્યૂટની વિવિધ લેબોરેટરીઓ, આધુનિક શૈક્ષણિક સુવિધાઓ, પ્રોજેક્ટ વિભાગો તથા ટેકનોલોજી આધારિત વ્યવહારુ શિક્ષણની સંપૂર્ણ વ્યવસ્થા અંગે માર્ગદર્શન મેળવ્યું.આ અવસરે પારુલ પોલિટેટેક્નિક ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસરશ્રી તેમજ આચાર્યશ્રી જતીનભાઈ વૈદ્યસાહેબ દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યના શૈક્ષણિક વિકલ્પો, ટેક્નિકલ ક્ષેત્રોની તકો, કારકિર્દી વિકાસ અને અગત્યના સ્કિલ ડેવલપમેન્ટ અંગે મૂલ્યવાન માર્ગદર્શન અપાયું. વિદ્યાર્થીઓએ આ મુલાકાતને જ્ઞાનવર્ધક અને તેમની કારકિર્દી દિશા માટે અતિ ઉપયોગી ગણાવી હતી. શાળાના આચાર્યશ્રી ચિરાગ શાહ એ વિદ્યાર્થીઓને કમ્યુનિકેશન સ્કિલ, કમ્પ્યુટર બેઝિક્સ, ટાઈમ મેનેજમેન્ટ, ક્રિએટિવ થિંકિંગ, બેઝિક પ્રોગ્રામિંગ જેવી આવશ્યક કુશળતાઓ વિશે માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે આવી મુલાકાતો વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા જગાવી ભવિષ્યમાં યોગ્ય કારકિર્દી પસંદગી માટે માર્ગદર્શનરૂપ બને છે અને સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે.વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી તરફથી સુંદર અલ્પાહાર અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
શાળાના સંચાલક મંડળ , આચાર્યશ્રી તથા સમગ્ર શાળા પરિવારે પારુલ યુનિવર્સિટી અને આચાર્યશ્રી જતીનભાઈ વૈદ્ય સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો કે જેમના સહકારથી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને ટેક્નોલોજીની વ્યવહારુ સમજ પ્રાપ્ત કરવાની અમૂલ્ય તક પ્રાપ્ત થઇ હતી.
