વડોદરા શહેરમાં છેલ્લા થોડા સમયથી પાર્ટી પ્લોટ અને અન્ય સ્થળોએ પાર્ક કરેલી કારના કાચ તોડી ચોરીના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યા હતા. આ પૃષ્ઠભૂમિમાં ક્રાઇમ બ્રાન્ચે વિશેષ વોચ રાખી આવા ગુનાઓ અંજામ આપનારા રીઢા તત્વોની વિગતો એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી. તા. 22મીના રોજ હરણી ખાતેના બાલાજી પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્ન સમારોહ દરમિયાન બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડી અજાણ્યા શખ્સે લેપટોપ, રોકડ સહિત કુલ રૂ. 1.32 લાખની મત્તાની ચોરી કરી હતી. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લેતાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર. જી. જાડેજા અને તેમની ટીમે ગુનાહિત ઇસમોને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન મળી આવેલી માહિતીના આધારે પોલીસે હરણી વિજયનગર વિસ્તારમાંથી શંકાસ્પદ ગતિવિધિઓ વચ્ચે રીઢા ગુનેગાર એહમદ ઉર્ફે શાહરુખ સૌકતખાન પઠાણ (મૂળ રહાડપુર ગામ, ભરુચ તથા હાલ મોટી વોરવાડ, વાડી, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. તેની ધરપકડ વખતે પોલીસે તેની પાસેથી લેપટોપ, ચશ્મા, બેગ અને રૂ. 23,500 રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં એહમદે સ્વીકાર્યું હતું કે ચાર દિવસ પહેલાં હરણીના બાલાજી પાર્ટી પ્લોટની બહાર તેણે પોતાના સાગરીત સલિમ ઉર્ફે કાજબ યાકુબમિયા શેખ (રહે. તાંદલજા) સાથે મળી બાઇક પર પહોંચી ગિલોટ અને લોખંડના છરા વડે કારનો કાચ તોડી ચોરી કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલ એહમદ રીઢો ગુનેગારે વડોદરા, ભરુચ, નવસારી અને વલસાડ જિલ્લામાં મળીને 25 જેટલા ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂક્યો છે. ક્રાઇમ બ્રાન્ચે તેના સાગરીતની શોધખોળ શરૂ કરી છે અને વધુ ગુનાઓ ઉજાગર થવાની શક્યતા વ્યક્ત કરી છે.
