વડોદરામાં રિક્ષામાં પેસેન્જરોને વાતોમાં લગાવી દાગીના લૂંટી લેતી એક મહિલા અને પુરુષને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. પૂછપરછ દરમિયાન ખુલ્યું છે કે તેમણે છેલ્લા 15 દિવસમાં ચાર પેસેન્જરોના દાગીના લૂંટ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, ખોડિયાર નગર ખાતે રહેતા એક વેપારી પોતાના પત્ની અને સાળી સાથે માંડવીના જ્વેલર્સમાંથી દાગીના ખરીદી રિમોટ લેવા માટે રાવપુરા રિક્ષામાં જઈ રહ્યા હતા. આ દરમિયાન રિક્ષામાં પંજાબી ડ્રેસ અને મોંઢે દુપટ્ટો બાંધીને બેઠેલી મહિલાએ તેમના પર્સમાંથી રૂ. 3.50 લાખના દાગીના ચોરી લીધા હતા.આ બનાવ બાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર.જી. જાડેજા અને ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન ખાસવાડી સ્મશાન પાસે રિક્ષામાં જતા મોહમ્મદ યુનુસ ગુલામહુસેન કાગદી (મોટી વોરવાડ, વાડી) અને કાલી જસપાસ લોન્ધે (વાઘોડિયા ચોકડી પાસે, મૂળ કાના પીપરી, નાગપુર, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરાયેલા દાગીના મળી આવ્યા હતા.પોલીસની તપાસમાં માલૂમ પડ્યું કે આ દાગીના પેસેન્જરોના સામાનમાંથી લૂંટી લેવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી રિક્ષા, બે મોબાઇલ અને દાગીના મળી કુલ રૂ. 4.52 લાખની મત્તા કબજે કરવામાં આવી છે.વધુ પૂછપરછ દરમ્યાન બંને ઠગોએ સ્વીકાર્યું કે છેલ્લા 15 દિવસમાં તેમણે માંડવી જ્વેલર્સથી સોનું ખરીદી નીકળેલા દંપતી, રેલ્વે સ્ટેશન પાસેથી રિક્ષામાં બેઠેલી મહિલા, સોમા તળાવ પાસે તથા ગોત્રી વિસ્તારમાં રિક્ષામાં મુસાફરી કરતી મહિલાના દાગીના કાઢી લીધા હતા.પોલીસ આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
