વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર સયાજીપુરામાં કોર્પોરેશન દ્વારા આવાસ યોજના હેતુસર બનેલા મકાનો વર્ષોથી ફાળવાયાજ નથી જે આવાસ બેકાર પડી રહ્યા છે. ખંડેર જેવા બની રહેલા આ મકાનો અંગે શહેર કોંગ્રેસ દ્વારા સ્થળ પર જઈ વિરોધ નોંધાવ્યો હતો.
કોંગ્રેસના કાર્યકરોના જણાવ્યા અનુસાર, વડોદરા મહાનગર પાલિકા તંત્ર શહેરની પ્રજાને મૂળભૂત સુવિધા પણ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગને છત મળે તે હેતુસર ૨૦૧૫માં સયાજીપુરા વિસ્તારમાં એક હજારથી વધુ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ ફાળવણી ન થતાં આ મકાનો આજે બારી-બારણા તૂટેલા, સામગ્રીની ચોરી, ગંદકી અને બંને કોમ્પલેક્સ વચ્ચે ઉગી નીકળેલા ઝાંખરા જેવા દ્રશ્યો સાથે ખડતલ હાલતમાં દેખાઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, શરૂઆતના કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડી દીધું હતું, જેને બાદ નવા કોન્ટ્રાક્ટરે ફક્ત રંગરોગાનનું કાર્ય પૂરું કર્યું હતું. લાખો-કરોડોની ગ્રાન્ટ અને કોન્ટ્રાક્ટરને ચુકવાયેલી રકમ છતાં લાભાર્થીઓને ઘર મળ્યા નથી, જે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
કોર્પોરેશનના સૂત્રો અનુસાર રસ્તા રેખા પર આવેલા મકાનો અથવા ગેરકાયદે ઝુંપડાં તોડાય ત્યારે ત્યાંના લોકોને આ આવાસ મકાનો ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. પરંતુ ઘણા વર્ષોથી આ પ્રક્રિયા અટકી છે, જેના કારણે સરકારી સંપત્તિ જર્જરીત બની રહી છે. વિરોધ કાર્યક્રમ દરમિયાન શહેર કોંગ્રેસના પ્રવક્તા કપિલ જોશી અને મહામંત્રી ડાહ્યાભાઈ પરમાર એ જણાવ્યું કે, “ભાજપ સરકાર ગરીબ અને મધ્યમ વર્ગ પ્રતિ નિષ્ઠાવાન નથી. જો સરકારને જરા પણ શરમ હોય તો સયાજીપુરાના મકાનો તરત જ ગરીબોને ફાળવી દેવા જોઈએ. નહીં તો કરોડો રૂપિયાની સરકારી મિલકત ખંડેરમાં ફેરવાઈ જશે.”
કોંગ્રેસે તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા અલ્ટીમેટમ આપ્યું છે અને મકાનો ફાળવણીનો નિર્ણય ટાળવામાં આવશે તો જન આંદોલન તેજ કરાશે તેવી ચેતવણી આપી છે.
