રાજ્યભરમાં હાલ મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરી ઝડપથી ચાલી રહી છે. આ કામગીરી શિક્ષકોને સોંપવામાં આવતા, તેમની ઉપર કામનું ભારણ આવી ગયું છે. શાળાનું કાર્ય અને એ વચ્ચે ચાલતી SIR પ્રક્રિયાના કારણે અનેક શિક્ષકો માનસિક તણાવ હેઠળ ફરજ બજાવી રહ્યા છે તેવી વાતો સામે આવી રહી છે. આવી પરિસ્થિતિમાં રાજ્યમાં અત્યાર સુધી પાંચ BLOના મોત થયા હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે.
આ જ પૃષ્ઠભૂમિમાં, વડોદરામાં ફરજ પર રહેલ એક મહિલા સહાયક BLOનું હાર્ટ એટેકથી થયુંલું દુઃખદ અવસાન મોટો પ્રશ્ન ઉઠાવી રહ્યું છે. પરિવારને ન્યાય મળે તેમજ SIR પ્રક્રિયામાં જરૂરી પરિવર્તનો થાય તેવા હેતુથી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ
આવેદનપત્રમાં કોંગ્રેસે જણાવ્યુ કે SIR પ્રક્રિયા દબાણભરી, યોગ્ય આયોજન વિનાની અને અલ્પ સમયમર્યાદા ધરાવતી હોવાથી શિક્ષકો પર અતિરેક તણાવ સર્જાય છે. સમયમર્યાદા વધારવા, પ્રક્રિયા સરળ કરવા અને મૃતક મહિલા સહાયક BLOના પરિવારને ન્યાપ મળે યોગ્ય વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
આ અવસરે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર જહા ભરવાડ, કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન મહેશ સોલંકી સહિત મોટી સંખ્યામાં મહિલા અને પુરુષ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.
કોંગ્રેસે તંત્રને સ્પષ્ટ કર્યું કે જો SIR પ્રક્રિયામાં સુધારો નહીં લાવવામાં આવે તો શિક્ષકોનું આરોગ્ય અને જીવન બંને જોખમમાં મુકાઈ શકે છે, જેથી તંત્રએ તાત્કાલિક આ મુદ્દે પગલાં લેવા જોઈએ.
