ગેસ લાઇનના ભંગાણના કારણે શહેરમાં નાગરિકો હેરાન થયા હતા જે મામલે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા તેમાં સંબંધીત અધિકારી સામે પગલાં ભરવાની માંગણી સાથે કોંગ્રેસ અગ્રણીઓ કાર્યક્રરો પાલીકા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા.વડોદરામાં ગેસ લાઇન ભંગાણની ગંભીર ઘટનાને પગલે શહેર કોંગ્રેસનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. આજે શહેર કોંગ્રેસના આગેવાનો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા કમિશનર કચેરીએ પહોંચ્યા હતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની તેમજ જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની કોંગ્રેસની માંગણી હતી. જોકે, મ્યુનિસિપલ કમિશનર આજે કચેરીમાં હાજર ન હોવાથી કોંગ્રેસના પ્રતિનિધિમંડળને તેઓ મળી શક્યા નહોતા, જેને લઈને કોંગ્રેસે અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા ભાજપ વિરુદ્ધ સૂત્રોચાર પણ કરવામાં આવ્યા હતા.
શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ જણાવ્યું હતું કે ગઈકાલે બેદરકારીપૂર્ણ ખોદકામના કારણે અંડરગ્રાઉન્ડ ગેસ લાઇનને નુકસાન થતાં સમગ્ર વડોદરા શહેરના લાખો નાગરિકોને રાંધણ ગેસ વિના ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પી. દાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હતું તેમજ કામગીરી દરમ્યાન અધિકારીઓએ યોગ્ય દેખરેખ ના રાખી હોવાથી આ ઘટના બની હતી. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ બંને સામે સખત પગલાં લેવાં જોઈએ તેવી માંગ કોંગ્રેસે કરી.તેમણે વધુમાં ઉમેર્યું કે શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે, પરંતુ કોઈ દેખરેખ કે ગુણવત્તા ચકાસણી થતી નથી. લોકો વેરો અને ગેસ બિલ ભરે છે છતાં ગઈકાલે અડધું વડોદરા ગેસ વિના રહ્યું હતું. કામગીરી દરમ્યાન અધિકારીઓ હાજર નથી અથવા હોય તો પણ ગંભીરતા દાખવતા નથી, જેના કારણે કોન્ટ્રાક્ટરો બેદરકારીપૂર્વક કામ કરે છે.
ઋત્વિક જોશીએ આક્ષેપ કર્યો કે કોર્પોરેશને- બીફોર નવરાત્રિના નામે 53 લાખ રૂપિયાનો “ધુમાડો” કરી નાખ્યો છે, જ્યારે નાગરિકોની તાત્કાલિક સમસ્યાઓ ઉકેલવામાં બેદરકારી દાખવાઈ રહી છે. ગેસ લાઇન ભંગાણ જેવા ગંભીર મામલામાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી, જે નિંદનીય છે. આ સમગ્ર મુદ્દે કોંગ્રેસે સૂત્રોચારો કરીને ભારોભાર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
