વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ પ્રમુખસ્વામી કુટીર તરફ જતો મુખ્ય માર્ગ લાંબા સમયથી ખરાબ હાલતમાં હોવાના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે નારાજગી ફાટી નીકળી છે. વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ કોઈ કામગીરી ન થતા રહેવાસીઓએ અંતે પોતાનો રોષ ચુંટણી બહિષ્કારના બોર્ડ લગાવી વ્યક્ત કર્યો છે.
રહેવાસીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “રોડ નહીં તો વોટ નહીં” — જ્યાં સુધી રસ્તા ન બને ત્યાં સુધી કોઈ પણ પક્ષના ઉમેદવારને વોટ નહીં આપવામાં આવે. ઘણા સમયથી તૂટી ગયેલા રોડ, ગટરનાં ઢાંકણાં ખૂલેલા હોવા તેમજ વરસાદી મોસમમાં કાદવમય સ્થિતિને કારણે રોજિંદા અવરજવર મુશ્કેલ બની ગઈ છે.
વોર્ડ નં. 12 ના પ્રમુખ રાકેશ ઠાકોરે પણ ચુંટાયેલા પ્રતિનિધિઓ સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “છેલ્લા 25 વર્ષથી ભાજપ સત્તામાં છે, છતાં ગટરનાં ઢાંકણાં પણ યોગ્ય રીતે લગાવી શક્યા નથી. આવી સ્થિતિમાં લોકો હવે પરિવર્તન ઈચ્છે છે.”
સ્થાનિક કોર્પોરેટર સામે લોકોનો વિશ્વાસ ઘટતો જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક રીતે માર્ગની સમસ્યાનું નિવારણ નહીં આવે તો આગામી ચૂંટણીમાં ભાજપના પ્રતિનિધિઓએ વિસ્તારમા વોટ માંગવા આવવું જ નહીં.
