એમ.એસ. યુનિવર્સિટીના બીબીએ સ્ટુડન્ટ્સ એસોસિયેશન દ્વારા આજે શહેરની એક ખાનગી હોટલ ખાતે સંકલ્પ મેગેઝીનના 25મા રજત જયંતિ વિશેષ અંકનું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા પૂરું પાડવામાં આવેલ સર્જનાત્મક યોગદાન અને શૈક્ષણિક ઉત્તેજનાને ઉજાગર કરતા આ વિશેષ અંકનું મહેમાનોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું.સંકલ્પ મેગેઝીન બીબીએ ફેકલ્ટીના સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને શૈક્ષણિક વિકાસનું પ્રતીક માનવામાં આવે છે. વિશેષતા એ છે કે આ સંપૂર્ણ મેગેઝીન વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન, સંપાદિત અને રજૂ કરવામાં આવે છે, જેને કારણે તે એક અનોખું સ્ટુડન્ટ-ડ્રિવન પ્રકાશન બન્યું છે.આ વિમોચન સમારંભમાં બીબીએ સ્ટુડન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ પ્રથમ હેગડે, એસોસિયેશનના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય વિધિથી કરવામાં આવી હતી.આ પ્રસંગે વડોદરાના મેયર પિન્કીબેન સોની, બીબીએ ફેકલ્ટીના એસોસિયેટ પ્રોગ્રામ ડિરેક્ટર કે.આર. બડોલા, સંજય ભદોરીયા તથા અનંત ઈદુરકર સહીતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી.આગામી સમયમાં વિદ્યાર્થીઓને વધુ નવીન વિચારો તરફ પ્રેરણા મળી રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
