સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા સભ્યો તથા સ્ટાફ માટે GST સંબંધિત જટિલતાઓને સરળ બનાવવા હેતુસર વ્યાવસાયિક સેમિનારનું આયોજન સયાજીગંજ સ્થિત વાંકળ સેવા કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમીન દીપકભાઈ સહિત ચેમ્બરનાં અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ સેમિનારમાં ખાસ કરીને GSTR-9 Annual Return, GSTR-9C રીકન્સિલિએશનની સ્ટેટમેન્ટ (Reconciliation Statement, .) તેમજ GST વિભાગ તરફથી મળતી નોટિસોનું યોગ્ય વ્યવસ્થાપન—તેવા મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. GST સંબંધિત વાર્ષિક અનુસંધાનો અને રીકન્સિલિએશનની નાજુક પ્રક્રિયા ઘણીવાર કરદાતાઓ અને કન્સલ્ટન્ટ્સ માટે પડકારરૂપ બને છે, તેને ધ્યાનમાં રાખીને સેમિનારનો ઉદ્દેશ પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. GST ક્ષેત્રના અનુભવી નિષ્ણાત CA ધ્રુવન્ક પારીખે પોતાના વ્યાપક અનુભવના આધારે ભાગ લેનારાઓને મહત્વપૂર્ણ બાબતો સમજાવી. તેમણે વાર્ષિક રિટર્ન ભરતી વખતે થતી સામાન્ય ભૂલો, રીકન્સિલિએશનની ટેકનિકલ જરૂરિયાતો, તેમજ વિભાગીય નોટિસોને સમયસર અને યોગ્ય રીતે હેન્ડલ કરવાની પદ્ધતિ અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું. ચેમ્બર દ્વારા જણાવાયું કે આવા સેમિનારોના માધ્યમથી ટેક્સ પ્રોફેશનલ્સને સમયસર અપડેટ રહેવામાં અને વ્યવહારિક સમસ્યાઓનું સુચારુ નિવારણ કરવામાં મોટી મદદ મળે છે.
