નવાયાર્ડમાં કહેવાથી વિકાસ કામગીરીના ખુલ્લા ખાડામાં યુવક પડતાં ગંભીર ઇજા પહોંચી : તંત્ર સામે લોકોમાં રોષ
વડોદરા મહાનગરપાલિકાના બેદરકારીભરા વહીવટનો વધુ એક ભોગ નવાયાર્ડ–લાલપુરા વિસ્તારમાં સામે આવ્યો છે. અહીં કોર્પોરેશન દ્વારા 12 દિવસ પહેલા ખોદવામાં આવેલ અને હજુ સુધી ન પૂરવામાં આવેલ ખુલ્લા ખાડામાં 35 વર્ષીય કલ્પેશ પટેલ પડી જતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે. હાલ તેઓ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
રહેંશોનું કહેવું છે કે આ ખાડો લાંબા સમયથી ખુલ્લો પડ્યો હતો અને વારંવાર રજૂઆત છતાં તેની આસપાસ સુરક્ષા માટે કોઈ બેરીકેડિંગ કે લોકોની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી નહોતી. આ બેદરકારીને કારણે આખા વિસ્તારમાં તંત્ર પ્રત્યે તીવ્ર નારાજગી ફેલાઈ છે.
ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના કાર્યકર એડમીન ક્રિશ્ચિયન તથા વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા તરત જ સ્થળ પર પહોંચ્યા હતા. પરિસ્થિતિ નું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યા બાદ તેમણે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા
કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ સ્પષ્ટ આક્ષેપ કર્યો કે: કોર્પોરેશનના અધિકારીઓની લાપરવાહી, ધીમી કામગીરી અને સુરક્ષાની અવગણના જ આ અકસ્માતનું મુખ્ય કારણ છે. સમયસર કામ પૂરૂં થયું હોત અથવા યોગ્ય બેરીકેડિંગ કરવામાં આવ્યું હોત તો કલ્પેશ પટેલ આજે હોસ્પિટલમાં ન હોત.”
એડમીન ક્રિશ્ચિયને માંગણી કરી કે: કલ્પેશ પટેલની સંપૂર્ણ સારવારનો ખર્ચ કોર્પોરેશન જ ઉઠાવે, અને આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ અને દોશીતો સામે તાત્કાલિક કડક કાર્યવાહી થાય.”
નવાયાર્ડના રહીશોનો આક્ષેપ છે કે કોર્પોરેશનની ઢીલાશ અને જવાબદાર અધિકારીઓની અવગણનાથી નિર્દોષ નાગરિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સ્થાનિક લોકોએ કલ્પેશ પટેલના પરિવારજનોને ન્યાય મળે તંત્ર આર્થિક સહાયની કરે તેવી પણ માંગ કરી હતી
