વડોદરાના રાવપુરા વિસ્તારમાં જયહિન્દ રેસ્ટોરન્ટ પાસે અગાઉના ઝઘડાની અદાવતે બે શખ્સોએ પાણીપુરી ખાઈ રહેલ યુવક ઉપર કમરપટ્ટા અને ચાકુ વડે હુમલો કરતા યુવકે પોતાનો બચાવ કરતા ચાકુ ઝૂંટવી લઈ સામે ઘા મારતા બે વ્યક્તિઓને ઓછીવત્તી ઇજાઓ પહોંચી હતી. રાવપુરા પોલીસે સામસામી ફરિયાદના આધારે ત્રણેવ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
તાંદલજા રહેતા અને વડોદરા સેન્ટ્રલ જેલમાં ટિફિન સર્વિસનું કામ કરતા ઇમરાન ઈબ્રાહીમ પઠાણએ ફરિયાદમાં કહ્યું હતું કે, આઠ મહિના અગાઉ મોસીન તથા અરશદ ઉર્ફે બાપુ સાથે બોલાચાલી થઈ હતી. જય હિન્દ હોટલની પાસે પાણીપુરીની લારી પર મેં પાણીપુરી ખાઈ રહ્યો હતો. તે વખતે આ બંને વ્યક્તિ મારી પાસે આવી “ના પાડી છતાં તું શાહ નવાજ સાથે કેમ ફરે છે ?”તેમ કહી મોસીને તેના કમર પટ્ટા વડે મને માર માર્યો હતો. અને અરશદ ઉર્ફે બાપુએ ચાકુ વડે મને કમરના તથા થાપાના ભાગે સામાન્ય ઇજા પહોંચાડી હતી. આ ઝપાઝપી દરમ્યાન મે અરશદના હાથમાંથી ચાકુ ઝૂંટવી લઈ મોસીનના પીઠ પર ઘા માર્યો હતો. સામાપક્ષે ફતેપુરામાં રહેતા અને રિક્ષા ચલાવતા મોસીન મહમ્મદખાન પઠાણએ ફરિયાદમાં કહ્યું હતું કે, અગાઉ થયેલ ઝઘડાની અદાવતે મેં કમર પટ્ટા વડે ઇમરાનને માર માર્યો હતો. જ્યારે અરશદે તેના પેન્ટના ખિસ્સામાંથી ચાકુ કાઢી ઇમરાનને ઈજા પહોંચાડી હતી. આ સમયે ઇમરાને તેના હાથમાંથી ચાકુ ઝૂંટવી લઈ મારી પીઠ પાછળ ઘા માર્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ઇમરાન તથા મોસીનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. બંને પક્ષની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ બીએનએસ 118(1), 296, 54 તથા જીપીએ 135ની ધારાઓ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
