વડોદરા શહેરમાં ફરી એક વખત પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા અમૂલ્ય પાણીનો વ્યર્થ વેડફાટ થયો છે. છાણી જકાતનાકા નજીકના ગાર્ડનમાં પાણીની લાઈન લીકેજ થતાં અમુલ્ય પાણી બગીચામાં વહી રહ્યું હતું. ઘટનાએ મહાનગરપાલિકાના તંત્રની બેદરકારીને ફરી એક વખત ઉજાગર કરી દીધી છે.સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે શહેરના કેટલાક વિસ્તારોમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે અહીં હજારો ગેલન શુદ્ધ પાણી જમીન પર વહેતા રહેવું તંત્રની કામગીરી પર મોટો પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. ગાર્ડનમાં કામ કરતી બહેને પણ પાણીની લાઈનના વાલ પાસે ભંગાણ સર્જાયેલા હોવાની માહિતી આપી હતી. વડોદરા મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરો પર રહેવાસીઓએ આક્ષેપ કર્યો કે તેઓ સિમેન્ટ-કોંક્રીટના ચણતરને જ વિકાસનો માપદંડ માને છે,પણ શહેરના પર્યાવરણ, વૃક્ષોની સુરક્ષા અને પાણી જેવા અમૂલ્ય સંસાધનો બચાવવાની દિશામાં કોઇ સંવેદનશીલતા દેખાતી નથી. શહેરના તળાવો અને હરિયાળા વિસ્તારો સિમેન્ટના જંગલોમાં ફેરવાઈ રહ્યા છે, ત્યારે પાણીની લાઈનમાં વારંવાર ભંગાણ સર્જાતા છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ તરફ ધ્યાન આપવામાં આવતું નથી.શાળા-કૉલેજોમાં બાળકોને “પાણી અમૂલ્ય છે” તે પાઠ ભણાવવામાં આવે છે, પરંતુ પાલિકાના ભણેલા અધિકારીઓ પોતે જ આ પાઠ ભૂલી ગયા હોય એવું લાગી રહ્યું છે.સ્થાનિકોએ માંગ કરી છે કે વોર્ડ અને ઝોન સ્તરના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક કામગીરી કરે, પાણીની લાઈનોની નિયમિત ચકાસણી અને મેન્ટેનન્સ માટે કાયમી આયોજન અમલમાં મૂકે, જેથી આવી બેદરકારીથી પાણીનો બગાડ અટકાવી શકાય.
