વડસર બ્રિજ નજીક વૈકુંઠધામ સોસાયટી બહાર આવેલી એક મોબાઈલ શોપમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ઉપર રહેતા રહેવાસીઓ તેમજ આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકોએ જીવ બચાવી તાત્કાલિક ઇમારતમાંથી બહાર નીકળવું પડ્યું હતું.મળતી પ્રાથમિક માહિતી મુજબ દુકાનમાં લાગેલી આગનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. આગ એટલી ભીષણ હતી કે જ્વાળાઓ ઉપરના મકાન સુધી પહોંચી ગઈ હતી અને આસપાસના ફ્લેટોમાં ઘાટો ધુમાડો ફેલાતાં ક્ષણિક અફરાતફરી સર્જાઈ હતી.જીઆઇડીસી ફાયર બ્રિગેડના સૈનિક દીપકભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, “અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે આખી મોબાઈલ શોપ જ્વાળાઓની લપેટમાં આવી ચૂકી હતી અને અંદાજે 15 ફૂટ ઊંચી અગનજવાળા દેખાઈ રહી હતી. લગભગ એક કલાકની કાળજીપૂર્વકની કામગીરી બાદ આગને સંપૂર્ણ કાબુમાં લેવામાં આવી હતી.”આ બનાવની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. આ આગમાં મોબાઈલ ફોન, રોકડ રકમ, ફર્નિચર સહિતની કિંમતી વસ્તુઓ સંપૂર્ણ રીતે બળી ખાક થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આગના કારણો અંગે વધુ તપાસ ચાલુ છે
