વાઘોડિયામાં ગેરકાયદે લિલાવૃક્ષોના કટીંગનો મામલો સામે આવ્યો છે. પર્યાવરણ સંરક્ષણના દાવાઓ ખોખલા સાબિત થઈ રહ્યા છે
વૃક્ષો વગર સૃષ્ટિની કલ્પના કરી શકાતી નથી. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, હવામાનનું સંતુલન જાળવે છે, વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે અને માનવ સહિત તમામ જીવસૃષ્ટિના અસ્તિત્વનું આધારસ્તંભ છે. જો વૃક્ષો નહીં રહે તો ધરતી પર ઓક્સિજન નહીં રહે અને ઓક્સિજન વગર માનવજીવન પણ શક્ય નથી. છતાં આજે વિકાસના નામે અને લોભ-લાલચના કારણે વૃક્ષો પર સતત કાપ મૂકવામાં આવી રહ્યો છે.દર વર્ષે ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, અનેક કાર્યક્રમો યોજાય છે, ભાષણો થાય છે, વાવેતરના સંકલ્પ લેવાય છે, પરંતુ આ ઉજવણી મોટાભાગે કાગળ અને મંચ પૂરતી જ સીમિત રહી જાય છે. જમીની હકીકત પર જોવામાં આવે તો પર્યાવરણ પ્રત્યે સંવેદનાનો ભારે અભાવ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને વૃક્ષ કાપના મામલે વહીવટી તંત્ર અને જવાબદાર વિભાગોની બેદરકારી ખુલ્લેઆમ જોવા મળી રહી છે.વાઘોડિયામાં ગેરકાયદે વૃક્ષોના કટીંગનો ગંભીર ચોકાવનારો બનાવ સામે આવ્યો છે.વાઘોડિયા તાલુકામાં વિરપ્પનો દ્વારા ગેરકાયદે રીતે લિલાવૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું હોવાની માહિતી સામે આવી છે. સિદ્ધી ઇન્ડસ્ટ્રીઝ નજીકના ખેતરમાંથી લિલાવૃક્ષોના મસમોટા કટીંગ કરેલા લાકડાનો જથ્થો ઝડપાયો હતો. બે ખખડધજ આઈસર વાહનો અને ટ્રેક્ટરો દ્વારા લાકડા નુ કટીંગ અને તેની તસ્કરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે, જે સુવ્યવસ્થિત લાકડા માફિયાઓના ગોરખધંધાની સાબિતી આપી રહ્યું છે.
પ્રકૃતિ પ્રેમીઓએ જ્યારે આ અંગે જાણ કરી અને ફોન દ્વારા ફરિયાદ કરી, ત્યારે વહીવટી તંત્ર અને વનવિભાગે એકબીજાને ખો આપી પોતાની જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરી. પર્યાવરણ બચાવવાના નામે ચાલતા કાર્યક્રમો અને “એક પેડ મા કે નામ” જેવી પહેલોને પણ ભ્રષ્ટ અને નિષ્ક્રિય તંત્રએ જાણે દાટ વાડી દીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.મોડી રાત્રે દબાણ બાદ તંત્ર હરકતમા આવ્યું હતું. પરિસ્થિતિ ગંભીર બનતા આખરે જિલ્લા વિકાસ અધિકારીને ટેલિફોનિક જાણ કરાતા મોડી રાતે લાકડા માફિયાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી મામલતદાર દ્વારા અંદાજે ૬૦ થી ૭૦ જેટલા મસમોટા વૃક્ષોના કટીંગ કરેલા લાકડાનો જથ્થો કબ્જે લેવામાં આવ્યો. આ કાર્યવાહી બાદ વાઘોડિયામાં ચાલતા લિલાવૃક્ષોના ગેરકાયદે કટીંગના ગોરખધંધામાં સંડોવાયેલા માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.જ્યારે છેલ્લી નદી પ્રદૂષિત થઈ જશે અને જ્યારે ધરતી નુ છેલ્લુ વૃક્ષ કપાઈ જશે, ત્યારે જ મનુષ્ય સમજી શકશે કે પૈસો ખાઈ શકાતો નથી. આજે જરૂર છે કે તંત્ર માત્ર કાગળી કાર્યક્રમો સુધી સીમિત ન રહે, પરંતુ જમીન પર અસરકારક પગલાં ભરે. વૃક્ષોના જતન અને જાળવણીમાં નિષ્ઠાપૂર્વક કામગીરી કરવામાં આવે અને ગેરકાયદે કટીંગ કરનારાઓ સામે કડક અને ઉદાહરણરૂપ કાર્યવાહી થાય. પ્રકૃતિ જ આપણું સાચું ધન છે; જો તે સલામત નહીં રહે, તો ભવિષ્ય પણ સલામત નહીં રહે.
