ઐતિહાસિક અને સંસ્કૃતિપ્રેમી વડોદરા શહેરનો 25મી નવેમ્બરના રોજ 514મો જન્મદિવસ ઉજવવામાં આવશે. શહેરના ઇતિહાસ અને વારસાને જનજન સુધી પહોંચાડવા છેલ્લા 11 વર્ષથી દર વર્ષે 18 થી 24 નવેમ્બર દરમિયાન વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલ (VPHF) ઉત્સાહપૂર્વક ઉજવાય છે.આજરોજ માંડવી ખાતેથી હેરિટેજ વોક સાથે વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે. ફેસ્ટિવલ દરમિયાન વિવિધ સ્થળોએ ઐતિહાસિક વારસાને સ્પર્શતા કાર્યક્રમો, પ્રદર્શન અને જાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.સુભાનપુરા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલા વિવિધ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે VPHF ના અગ્રણી ઇતિહાસ વિદ અને આર્ટ કન્ઝર્વેટર ચંદ્રશેખર પાટીલએ માહિતી આપતા જણાવ્યું કે—
વડોદરાના ગૌરવશાળી વારસાને જનસમૂહ સુધી પહોંચાડવા, તેની જાળવણી અને સન્માન અંગે જાગરૂકતા ફેલાવવા આ ફેસ્ટિવલ દર વર્ષે યોજાય છે. આ 11મું વર્ષ છે અને લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે પેઈન્ટિંગ, હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, અવરનેસ ફોટોગ્રાફી, રંગોળી પ્રદર્શન તેમજ વ્યાખ્યાનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે એક્ટર–રાઇટર–ડાયરેક્ટર જેડી ચાવડા દ્વારા ” અરે આ તો જો” શીર્ષક હેઠળ એક અનોખું સોશિયલ અવરનેસ આધારિત ફોટોગ્રાફી પ્રદર્શન શરૂ કરાયું છે. આ પ્રદર્શન 18 થી 24 નવેમ્બર સુધી સવારના 10 થી સાંજના 6 દરમિયાન જનતા માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે. જેડી ચાવડાએ જણાવ્યું કે આપણા રોજિંદા જીવનમાં અનેક ક્ષણો એવી હોય છે જ્યાં આપણે અચાનક બોલી ઉઠીએ — “અરે આ તો જો!” — તે જ ક્ષણોને તેમણે કેમેરામાં કેદ કરી છે જેથી શબ્દો કરતાં ચિત્રો વધુ અસરકારક રીતે સામાજિક સંદેશ આપી શકે.
