મુંબઇ–અમદાવાદ હાઇ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટના C-5 પેકેજ હેઠળ વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં કાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરીને કારણે શહેરમાં અવારનવાર કેટલાક માર્ગો સમયસર બંધ કરીને ટ્રાફિકને અન્ય રૂટ ઉપર ડાયવર્ટ કરવાની જરૂર ઉભી થતી રહે છે.
પ્રિય લક્ષ્મી મિલના ગરનાળાને બંધ કર્યા બાદ હવે જેતલપુર (સ્વામી વિવેકાનંદ) રેલવે ઓવરબ્રિજ અને તેની નીચેનો રેલવે અંડરપાસ 15/11/2025 થી 29/11/2025 સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં ગડર લોન્ચિંગ સહિતના સિવિલ વર્ક હાથ ધરવાના હોવાથી આ કાર્યવાહી જરૂરી બની છે — એવી માહિતી પ્રોજેક્ટ મેનેજર દ્વારા આપવામાં આવી છે.
વડોદરા રેલવે સ્ટેશનથી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા મુખ્ય માર્ગોમાં અલકાપુરી તથા જેતલપુર ગરનાળાનું મહત્વનું સ્થાન છે. જેમાં હાલમાં જેતલપુર ગરનાળું બંધ હોવાથી રેસકોર્સ–ચકલી સર્કલથી સયાજી હોસ્પિટલ તરફ આવન જાવન કરનારાઓને અસર પહોંચશે.શહેરવાસીઓને શક્ય તેટલી ઓછી અસુવિધા થાય અને ટ્રાફિક સુચારૂ રહે તે માટે વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કોમાર દ્વારા વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે.વૈકલ્પિક માર્ગો તરીકે અલકાપુરી ગરનાળું અકોટા બ્રિજનો ઉપયોગ કરવા જણાવાયું છે
