વડોદરા શહેરના સયાજીગંજ, રાવપુરા અને શહેરવાડી વિધાનસભા વિસ્તારમાં ગઈકાલે ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ શહેરવાડી વિસ્તારમાં યોજાયેલી યુનિટી માર્ચ બાદ એક ગંભીર બેદરકારી સામે આવી છે.યાત્રા દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ટેમ્પો ઉપર મૂકી વિવિધ વિસ્તારમાં લઈ જવાઈ હતી જ્યાં લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી યુનિટી માર્ચનું સ્વાગત પણ કર્યું હતું, પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રતિમાને યોગ્ય સ્થળે મુકવાની જવાબદારી ભૂલી જવાઈ હતી. લોકોમાં એવી ચર્ચા છે કે સરદાર પટેલના નામ અને તસવીરનો ઉપયોગ તો રાજકીય પ્રસિદ્ધિ માટે થાય છે, પરંતુ તેમના આદર્શોને જીવનમાં ઉતારવાની ભાવના દેખાતી નથી.કાર્યક્રમ બાદ સરદાર પટેલની પ્રતિમા કિશનવાડી વિસ્તારમાં રસ્તા કિનારે મૂકવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.આ પ્રકારના વર્તનને લઈ આજે સવારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ સત્તાધીશો સામે કડક નારાજગી વ્યક્ત કરી હતી. પ્રતિમાનું સન્માન જળવાઈ રહે તે માટે તાત્કાલિક પગલાં લેવા માગ કરી હતી.
