વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી નાગેશ્વર સોસાયટીમાં મંગળવારે રાત્રે સીનિયર સિટીઝન દંપતીને લૂંટારુઓએ નિશાન બનાવતાં અછોડો તોડવાનો બનાવ બન્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, કૃષ્ણકાંતભાઈ ઘનશ્યામભાઈ શાહ (ઉંમર 63), જે ખાનગી ફાઈનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તે પોતાની પત્ની ભાવનાબેન સાથે ઈવનિંગ વૉક માટે નીકળ્યા હતા.
રાત્રે આશરે 9:30 વાગ્યે સોસાયટીના રોડ પર ચાલી રહ્યા હતા, તે દરમ્યાન બાઈક પર સવાર બે શખ્સો સ્થળ પર આવ્યા હતા. પાછળની સીટ પર બેઠેલો સાગરીત અચાનક ચાલતો પાછળ આવ્યો અને કૃષ્ણકાંતભાઈના ગળામાંથી અંદાજે 40,000 રૂપિયાની કિંમતની સોનાની તુલસી માળા ઝૂંટવી ભાગી ગયો.
ઘટના દરમિયાન કૃષ્ણકાંતભાઈએ પાછળ વળીને પ્રતિક્રિયા આપવાનો પ્રયાસ કરતા રોડ પર પથરાયેલી રેતીને કારણે તેમનું પગ સ્લિપ થતાં તેઓ પટકાયા હતા. બાદમાં દંપતી દ્વારા આપવામાં આવેલી વિગતોના આધારે કુંભારવાડા પોલીસે લૂંટારુઓને ઝડપવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસે વિસ્તારનો સીસીટીવી ફૂટેજ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે અને બાઈક સવાર આરોપીઓની ઓળખ માટે તપાસ ચાલુ છે.
