સુરતમાં ડ્રગ્સની હેરાફેરીનો વધુ એક મોટો પ્રયાસ સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યો છે. સુરત સિટી ડીસીબી, કસ્ટમ્સ વિભાગ અને CISF દ્વારા સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશન ચલાવી હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો) સાથે આંતરરાષ્ટ્રીય મુસાફરને ઝડપવામાં સફળતા મળી છે. બેંગકોકથી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ દ્વારા સુરત આવી રહેલા જાફર અકબર ખાન (સીટ નંબર 27C) નામના મુસાફરને શંકાના આધારે ચકાસવામાં આવ્યો હતો. તેની સઘન તપાસ દરમિયાન તેના સામાનમાંથી કુલ 8 પેકેટમાં ભરાયેલું લગભગ 4.055 કિલોગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો
આ ખાસ પ્રકારનું હાઇડ્રોપોનિક વીડ અત્યંત મોંઘું અને પ્રતિબંધિત નશીલા પદાર્થોમાં ગણાય છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ રૂ. 1,41,92,500 થાય છે. આ મોટી જપ્તી સુરતમાં ડ્રગ્સ સપ્લાય કરવાના મોટા નેટવર્ક સુધી પહોંચતો પ્રયાસ હતો, જેને સુરક્ષા એજન્સીઓએ સતર્ક કામગીરી દ્વારા અંકુશમાં લીધો છે. કાર્યવાહી બાદ આરોપીને CISF અને પોલીસની મદદથી તરત જ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.હાલ આરોપી જાફર અકબર ખાન સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ કરી રહી છે કે આ જથ્થો સુરતમાં કયા નેટવર્ક સુધી પહોંચાડવાનો હતો અને આ હેરાફેરી પાછળ અન્ય કોણ કોણ સંકળાયેલ છે. સુરત એરપોર્ટ પર થયેલી આ સંયુક્ત કાર્યવાહી સુરક્ષા એજન્સીઓની કાર્યક્ષમતા અને સતર્કતા સ્પષ્ટ રીતે દર્શાવે છે.
