વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 18ના મકરપુરા વિસ્તારમાં રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. કામ દરમિયાન પાણીની મુખ્ય લાઇન તૂટી જતાં મોટી માત્રામાં — હજારો લિટર — પીવાનું પાણી રસ્તા પર વહી ગયું હતું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.
પાણીનો ભારે વ્યર્થ વહી જવાથી સ્થાનિક નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આસપાસના મકાન માલિકો અને વેપારીઓને પણ લાંબા સમય સુધી પાણી વિના ભારે પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ વર્ક કરતી એજન્સીની અણઘડ કામગીરી આ દુર્ઘટના માટે જવાબદાર છે. કામગીરી શરૂ કરતાં પહેલાં યુટિલિટી લાઇનની તપાસ ન કરવાને કારણે આ ઘટનાએ જન્મ લીધો હોવાનો દાવો પણ લોકો કરી રહ્યા છે.
ઘટનાની જાણ થતાં જ તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તૂટી ગયેલી પીવાના પાણીની લાઇનનું રિપેરિંગ કામ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે પાણી સપ્લાય વહેલી તકે નિયમિત કરી દેવામાં આવશે.
સ્થાન્ય નાગરિકો હવે આ ઘટનાની જવાબદારી નિર્ધારિત કરવા અને ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય તે માટે કડક પગલાં લેવાય તેવી માંગ કરી રહ્યાં છે.
