સ્વચ્છતા માત્ર દેખાવ નહીં, પરંતુ સ્વસ્થ જીવનનો પાયો છે. દરેક વ્યક્તિએ સ્વચ્છતાને પોતાના સ્વભાવમાં વણી લેવી જોઈએ શહેરને સ્વચ્છ રાખવા માટે પાલિકા અને નાગરિકો બંનેનો સહયોગ અનિવાર્ય છે.
આ સંદેશને મજબૂત બનાવવા માટે આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્વચ્છતા મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વિવિધ સોસાયટીઓના પ્રમુખો અને હોદ્દેદારો સાથે આ બેઠક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી.એન. રાજપુતની અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકમાં પાલિકા અધિકારીઓએ જણાવ્યું કે ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત આવે છે, છતાં પણ કેટલાક લોકો કચરો ગાડીમાં નાખતા નથી, જેના કારણે વિસ્તારોમાં ગંદકી ફેલાવાની શક્યતા રહે છે. સ્વચ્છતા સહિયારી જવાબદારી હોવાનો સંદેશ આપવામાં આવ્યો અને સૌને અપીલ કરવામાં આવી કે કચરો બહાર ન ફેંકે અને રોજિંદો કચરો ડોર ટુ ડોર ગાડીમાં જ નિકાલ કરે.
બીજી તરફ લોકોએ પણ પાલિકા દ્વારા સ્વચ્છતા મામલે કરાતા સતત પ્રયાસોની સરાહના કરી હતી અને સૌએ કચરો ડોર ટુ ડોર ગાડીમાં નાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
