વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના કિનારે આજે પાર્ક કરેલી જુદી જુદી બે કારમાં આગ લાગતા અફરાતફરી મચી હતી કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
કાલાઘોડા નજીક જૂની રાજેશ્રી ટોકીઝ પાસે ખુલ્લામાં બે કાર પાસે પાસે પાર્ક કરેલ હતી તે દરમિયાન એક કારમાં આગ લાગ્યા બાદ બીજી કાર પણ આગની લપેટમા આવી હતી. આગ લાગ્યા ની ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી દરમ્યાન બનાવને પગલે એકત્રિત થયેલા લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ધારી એવી સફળતા મળી ન હતી. બંને કારની પાસે એક ટેમ્પો પણ પાર્ક કરેલો હતો. પરંતુ આગ ત્યાં સુધી પહોંચે તે પહેલા ફાયર બ્રિગેડ આવી જતા ટેમ્પાને આગથી બચાવી લેવામાં આવ્યો હતો . બંને કારની આગ કાબુમાં લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડના સુત્રોએ કહ્યું હતું કે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ નજરે જોનારા લોકો ના કહેવા પરથી કચરામાં આગ લાગ્યા બાદ નજીકમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લોકોએ લગાવ્યું હતું આગ કાબૂમાં આવતા આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો
