સુભાનપુરા વિસ્તારના ઝાંસી રાણી સર્કલ ખાતે આવેલ વીરાંગના ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને આજે તેમના જન્મજયંતિના અવસરે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
રાણી લક્ષ્મીબાઈ, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની અગ્રણી વીરાંગના, વીરતા અને બલિદાનના પ્રતીકરૂપે ઓળખાય છે. દેશની આઝાદી માટે તેમણે આપેલ બલિદાન અને શૌર્ય આજે પણ કરોડો ભારતીયોમાં દેશભક્તિનો જ્યોત પ્રગટ કરે છે. તેમની અદમ્ય શક્તિ, અડગ મનોબળ અને અસાધારણ નેતૃત્વને યાદ કરવા શહેર કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.
આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી, ચંદ્રકાન્ત શ્રીવત્સવ, કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સહિત મોટા પ્રમાણમાં કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના બલિદાનને વંદન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો દ્વારા રાણી લક્ષ્મીબાઈના જીવનલક્ષી સંદેશો, દેશપ્રેમ અને સંઘર્ષના માર્ગને અનુસરવાની અપીલ પણ કરવામાં આવી હતી.
