ગાંધીના ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં વડોદરા શહેરમાં દારૂ ખુલ્લેઆમ મળતો હોવાનો આક્ષેપ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. હાઈ-ટેક સાધનોથી સજ્જ હોવાનું ગણાતું શહેર પોલીસ તંત્ર દારૂના ધંધાને લઈને નિષ્ક્રિય બન્યું હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. વ્યસનમુક્ત વડોદરાની વાતો માત્ર કાગળ પર જ રહી છે એવું કહેતા સમા–જવાહર નગરના નાગરિકો આજે સીધા પોલીસ ભવન પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા. સ્થાનિકોના આક્ષેપો અનુસાર સમા વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે ગલી–મહોલ્લામાં ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થાય છે રહી છે. નશો કરી મગજનું સંતુલન ભૂલી બેસેલા લોકોના કારણે– આવતા જતા મહિલાઓ અને બેન–બેટીઓને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. નાના બાળકો પર પણ આવા દ્રશ્યોની નકારાત્મક અસર થતી હોવાની વાત સ્થાનિકોએ કરી હતી. 100 નંબર પર કોલ કરતાં પોલીસ આવી તાત્કાલિક ધંધો બંધ કરાવી જાય છે, પરંતુ થોડા સમય પછી ફરી એ જ સ્થિતિ ઉભી થઈ જાય છે—એવું નાગરિકોનું કહેવું છે. સતત પરેશાન થતાં લોકોએ આજે વડોદરા શહેરના પોલીસ કમિશનરને અરજી આપી હતી અને વહેલી તકે આ અસામાજિક પ્રવૃત્તિને બંધ કરાવવાની માંગ કરી હતી. નાગરિકોનો આ સજાગ અવાજ બતાવે છે કે દારૂબંધી કડક રીતે અમલમાં આવે તે હવે સમયની માંગ છે. હવે જોવાનું રહેશે કે પોલીસ તંત્ર આ ફરિયાદ નુ કેટલુ ઝડપથી નિરાકરણ લાવે છે
