વડોદરામા એનસીસી સ્થાપના દિવસ નિમિત્તે 3 ગુજરાત બટાલિયનમાં ઉજવણી, અધિકારીઓની હાજરીમાં દેશભક્તિના સ્વર ગુંજ્યા
રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ (NCC)ના 77મા સ્થાપના દિવસ નિમિત્તે વડોદરાના ફતેગંજ ખાતે આવેલ 3 ગુજરાત બટાલિયનના પરિસરમાં એનસીસી દિવસ ની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ત્રણેય પાંખના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં એનસીસી કેડેટ્સ જોડાયા હતા. સમગ્ર પરિસરમાં ઉલ્લાસ, શિસ્ત અને દેશપ્રેમની ભાવના છવાઈ ગઈ હતી.
એનસીસી દિવસ દર વર્ષે નવેમ્બર મહિનાના ચોથા રવિવારે ઉજવવામાં આવે છે અને દેશના યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને રાષ્ટ્રભક્તિના મૂલ્યો વાવવામાં તેનો મુખ્ય હેતુ છે. તેની ઉજવણીના ભાગરૂપે આજે 3 ગુજરાત બટાલિયન ખાતે વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં એન.સી.સી. ગ્રૂપ કમાન્ડર વાય.એસ. સાંઝવાન, મેજર જનરલ મોહિત ગાંધી, બ્રિગેડિયર સૌરભ જૈન અને એર કમોડોર આર.એસ. ભંડારી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કેડેટ્સને પ્રેરણાદાયી સંદેશ આપીને દેશ સેવા માટે સતત તૈયાર રહેવાની પ્રેરણા આપી હતી.સમારોહનું સંચાલન જાતે કેડેટ્સે જ સંભાળ્યું હતું, જે એનસીસી દ્વારા આપાતી નેતૃત્વ ક્ષમતાઓ અને વહીવટી કૌશલ્યનો ઉત્તમ દેખાવો હતો. કાર્યક્રમ દરમ્યાન એનસીસીની પ્રવૃત્તિઓ દર્શાવતી વિશેષ ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી હતી તેમજ પૂર્વ કેડેટ્સની સફળતા કથા રજૂ કરતી સ્ક્રીનિંગ પણ યોજાઈ હતી, જેમાં NCCના જીવનમાં પડે એવા પરિવર્તનો અને કારકિર્દીના અવસરોને ઉજાગર કરવામાં આવ્યા હતા.ઉપસ્થિત અધિકારીઓએ કેડેટ્સ સાથે સીધી સંવાદ સાધી હતી અને રાષ્ટ્રને સર્વોપરી રાખી સેવા, શિસ્ત તથા જવાબદારીના મૂલ્યો અપનાવવાની પ્રેરણા આપી હતી. કાર્યક્રમ શિસ્તભેર, ઉર્જાસભર અને દેશપ્રેમના માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.એનસીસીના સૂત્ર “એકતાથી શક્તિ” ને સાકાર કરતા આ ઉજવણી યુવાન કેડેટ્સ માટે પ્રેરણાનો શક્તિશાળી સ્ત્રોત બની હતી.
