વડોદરા શહેરના સાયબર ક્રાઈમ વિભાગે લોનના નામે છેતરપિંડી આચરતા ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. ખાનગી બાતમીના આધારે વિંટેજ કોલોની વિસ્તારમાં દરોડો પાડતા પોલીસે સ્વયં રાઉત, અંશ પંચાલ અને સ્નેહ પટેલને ઝડપી પાડ્યા હતાં. રહેવા માટેની જગ્યા પરથી જ કોલ સેન્ટર ચલાવીને આ ટોળકી અમેરિકાના નાગરિકોને નિશાન બનાવી રહી હતી.તપાસમાં ખુલ્યું કે આરોપીઓ પ્રિ-ક્વોલિફાઈ લોનના આકર્ષક મેસેજ મોકલીને અમેરિકન નાગરિકોને ફસાવતા હતા. લોન મેળવવામાં રસ ધરાવતા લોકોને લોન મંજૂરી પહેલાં જ 30 ટકા કમિશનની માંગણી કરી છેતરપિંડી આચરાઈ રહી હતી. અમેરિકાની બેન્કિંગ સિસ્ટમમાં પ્રથમ લોન મંજુર થાય છે અને બાદમાં ડોક્યુમેન્ટ ચકાસાય છે—આ લોફોલનો આરોપીઓ દુરુપયોગ કરી રહ્યા હતા.ટોળકી અત્યાર સુધીમાં 80થી વધુ લોકોને છેતી કરી ચૂકી છે. હવાલા મારફતે રકમ ભારતમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી, જ્યારે પીડિતોના ડેટા ટેલિગ્રામ ગ્રુપ મારફતે મેળવવામાં આવતા અને એક વ્યક્તિનો ડેટા માત્ર 100 રૂપિયે વેચાતો હતો.સાયબર ક્રાઈમ વિભાગે ત્રણેય આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ કેસનો સંલગ્ન ગુનો છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. એસીપી મયુરસિંહ રાજપૂતએ જણાવ્યું કે સમગ્ર નેટવર્કને ઉજાગર કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે અને નાગરિકોને આવી લોન ઓફરો સામે સતર્ક રહેવાની જરૂર છે.
