વડોદરા શહેરમાં દિવસેને દિવસે વધી રહેલા માર્ગ અકસ્માતોને ધ્યાને લઈ પોલીસ તંત્ર વધુ કડક બન્યું છે. અનેક વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોની અવગણના થતી હોવાના કારણે અકસ્માતોની સંભાવના વધી રહી છે. કેટલાક વાહનચાલકો ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં વાહન દોડાવે છે, તો કેટલાક સિગ્નલ ખુલવાની થોડાક સેકન્ડો પહેલા જ ઝડપથી વાહન આગળ ધપાવી દે છે, જે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે તેમજ સુચારુ વાહન વ્યવહારમાં અવરોધ ઊભો કરે છે.આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર , એડિશનલ સીપી લીના પાટીલ તથા ટ્રાફિક વિભાગના પી.આઈ. સાથે કાલાઘોડા ટ્રાફિક સિગ્નલ ખાતે સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાનમાં ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરી નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી.પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે જે વાહનચાલકો જીબ્રા ક્રોસિંગની આગળ પોતાના વાહન ઊભા રાખે છે, સિગ્નલ તોડે છે અથવા સિગ્નલ ખુલવાની સેકન્ડો પહેલા જ વાહન આગળ હંકારી મૂકે છે, તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને બાઈક ચાલકોને હેલ્મેટ પહેરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.આગામી દિવસોમાં શહેરના કેટલાક મહત્વના ટ્રાફિક સિગ્નલ પર પી.આઈ. કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિ રહેશે અને નિયમોનો ભંગ કરનાર સામે દંડ સહિત કડક કાર્યવાહી હાથ ધરાશે. પોલીસ તંત્રનું કહેવું છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી જ અકસ્માતો અટકાવી શકાય અને શહેરમાં સલામત તથા સુચારુ વાહન વ્યવહાર શક્ય બનશે.પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે પોતાની તથા અન્યની સુરક્ષાને ધ્યાનમાં રાખી ટ્રાફિક નિયમોનું પાલન કરે અને જવાબદાર વાહનચાલક બને
