વડોદરા મહાનગરપાલિકામાંથી વારંવાર ફાઈલો ગુમ થવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર મહત્વપૂર્ણ રેકોર્ડ ગાયબ થવાની સમસ્યા ચર્ચામાં છે. અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની મૂળ ફાઈલ ન મળ્યા બાદ હવે બે વધુ વિભાગોની ફાઈલો ગુમ થયાનો મામલો સામે આવ્યો છે, જેને લઈ શહેરમાં ચકચાર મચી છે.
મળતી માહિતી મુજબ, મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાંથી અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ફાઈલો ગુમ થયાની ચર્ચા છે. તાજેતરમાં મુખ્યમંત્રી પોર્ટલ પર કરવામાં આવેલી ફરિયાદ બાદ અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની મૂળ ફાઈલ મ્યુનિસિપલ કમિશનરના કેમ્પ ઓફિસમાંથી મળી ન આવતા, પાર્ક એન્ડ ગાર્ડન વિભાગે આ બાબતે પત્ર આપ્યો હતો.
આ સાથે જ હાલમાં માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળ માંગવામાં આવેલી માહિતી દરમ્યાન રોડ પ્રોજેક્ટ શાખાની મૂલ ફાઈલ અઢળ ન થતી હોવાની નોંધ લેવાઈ છે. આ સંદર્ભે સમગ્ર પાલિકા વિભાગોને પરિપત્ર આપીને જણાવાયું છે કે ભૂલથી આવી કોઈ ફાઈલ અન્ય કચેરીમાં પહોંચી હોય તો તરત જ મોકલી આપવા.
બીજી તરફ, મહાનગરપાલિકાના અનેક વિભાગો દ્વારા જણાવ્યું છે કે સંબંધિત માહિતી તેમના રેકોર્ડ પર ઉપલબ્ધ જ નથી. આવી સ્થિતિ વારંવાર સર્જાતા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ મ્યુનિસિપલ કમિશનરને માંગણી કરી છે કે મહાનગરપાલિકાના તમામ વિભાગોમાં પરિપત્ર કરીને કેટલી ફાઈલો અઢળ છે તેની સંપૂર્ણ ગણતરી કરવામાં આવે અને જે વિભાગોમાં ફાઈલ ગુમ મળી આવે તે વિભાગના જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે.
અતુલ ગામેચીએ અનોખી રીતે પોતાના કપાળ પર “અઢળ” લખીને આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું, જેને કારણે ઘટનાએ વધુ ધ્યાન ખેંચ્યું છે.
ઉલ્લેખની છે કે કોઈ બાળક પોતાની કોઈ વસ્તુ કોઈ આવે તો માતા-પિતા તેને પ્રશ્નો પૂછતા હોય છે પણ વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ તંત્રની તો વાત જ શુ અહીં આખી ને આખી ફાઇલ ખોવાઈ જાય છે છતાંય કોઈ પૂછનાર નથી હવે આ ફાઇલ ખરેખર ખોવાય છે કે પછી જાણી જોઈને તેને ગાયબ કરવામાં કોઈ માથું કામ કરી રહ્યું છે તે તપાસનો વિષય છે પાલિકા તંત્ર આ ગંભીર મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી સામાજિક કાર્યકર તેમજ જાગૃત નાગરિકોની માંગ છે
