ગોત્રી વિસ્તારમાં શનિદેવ ફાઉન્ડેશન અને રવિ અગ્રવાલ દ્વારા સનાતની ક્રિકેટ ટુર્નામેન્ટ ‘ગોત્રી પ્રીમિયર લીગ (GPL 2)’ નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.કલાનગરી ક્રિકેટ મેદાન ખાતે સતત બીજા વર્ષે સુપર 8 ટેનિસ બોલ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.ગઈકાલે યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં શનિદેવ ફાઉન્ડેશનના કાર્યકરોના પરિવારની મહિલા સભ્યોએ પૂજા અર્ચના કરીને ધાર્મિક વિધિ વચ્ચે ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી.
1 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી ચાલનારી આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વડોદરા શહેરની કુલ 48 સનાતની ટીમો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે. મેચ જોવા આવનાર દર્શકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મળે તે માટે મેદાનમાં ખાસ પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે, જેથી લોકો યોજનાઓનો લાભ લઈ શકે. ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ₹31,000 રોકડ પુરસ્કાર સાથે ટ્રોફી, જ્યારે રનર્સ-અપ ટીમને ₹11,000 રોકડ રકમ અને ટ્રોફી એનાયત થશે. ઉપરાંત મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર અને મેન ઓફ ધ મેચ માટે વિશેષ ટ્રોફી પણ રાખવામાં આવી છે. ગોત્રી પ્રીમિયર લીગ (GPL 2) નો આ શાનદાર પ્રારંભ સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓમાં જોરદાર ઉત્સાહ પેદા કરી રહ્યો છે.
