સેવાસી વિસ્તારમાં આવેલી સમન્વય સ્પ્લેન્ડિડ સોસાયટીના રહીશો આજે રેહણાક વિસ્તારમાં ચાલી રહેલી કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે
વાંધો રજૂ કરવા વડોદરા મહાનગરપાલિકાની કચેરીએ મોરચા સ્વરૂપે પહોંચ્યા હતા
વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં આવેલી સમન્વય સ્પ્લેન્ડિડ સોસાયટીના રહીશો આજે રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે વાંધો રજૂ કરવા વડોદરા મહાનગરપાલિકાની કચેરીએ મોરચા સ્વરૂપે પહોંચ્યા હતા. રહીશોના જણાવ્યા મુજબ સોસાયટીના A-3 ટાવરના નવમા અને દસમા માળે રહેણાંક ફ્લેટોને ગેરકાયદેસર રીતે ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યાં અલગ–અલગ શહેરો અને રાજ્યોથી તેમજ વિદેશી લોકો પણ ટૂંકા સમય માટે રોકાયા કરે છે. અહીં બે કલાક, સાત કલાક કે બે દિવસ માટે અજાણ્યા લોકો આવતા જતા હોવાની બાબતે રહીશોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.તેમનો આક્ષેપ હતો કે ગેસ્ટ હાઉસ જેવી પ્રવૃત્તિ ચાલવા છતાં કોઈપણ પ્રકારનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવતું નથી. શહેર પોલીસ તંત્ર હોટલો અને ગેસ્ટ હાઉસમાં મુલાકાત લેતી વખતે દસ્તાવેજો તથા રજીસ્ટર મેન્ટેન કરવાની સૂચના આપતું હોવા છતાં આ સોસાયટીમાં કાયદાની ખુલ્લેઆમ ઉલ્લંઘના થઈ રહી છે. સોસાયટીના સેક્રેટરીએ પણ સ્વીકાર્યું હતું કે અહીં વિવિધ રાજ્યો અને દેશોના લોકો રહેવા આવે છે, જ્યારે કોઈ કરાર, વેરિફિકેશન કે મેરિટાઈમ રેકોર્ડ જાળવાતો નથી. રહીશોના જણાવ્યા મુજબ એક વર્ષ પહેલાં આ મુદ્દે વીએમસીને લેખિત અરજી કરવામાં આવી હતી, પરંતુ માત્ર નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ પણ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી.સ્થાનિકોએ કહ્યું હતું કે ગેરકાયદેસર ગેસ્ટ હાઉસના કારણે કેટલીક શંકાશીલ પ્રવૃત્તિઓ ચાલવાના સંકેતો મળી રહ્યા છે અને રહેવા આવતા અજાણ્યા લોકોના કારણે તેમની તથા બાળકોની સુરક્ષા જોખમમાં મૂકાઈ છે. રહીશો ભાયલી તાલુકા પોલીસ પાસે પણ રજુઆત કરી આવ્યા હતા, પરંતુ ત્યાંના પોલીસ અધિકારીના વર્તન અંગે પણ તેમણે અસંતુષ્ટિ વ્યક્ત કરી હતી. સતત રજૂઆતો છતાં કોઈ પરિણામ ન આવતાં આજે લોકોએ બેનરો અને પોસ્ટરો સાથે મોરચો કાઢી વડોદરા મહાનગરપાલિકા અધિકારી સુરેશ તુવેરને આવેદનપત્ર આપીને સોસાયટીમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિ બંધ કરવા ત્વરિત પગલાં લેવાની માંગણી કરી હતી.સ્થાનિકોએ જણાવ્યું હતું 11 મહિનાના કોન્ટ્રાક્ટ તરીકે કોઈને રેન્ટ પર મકાન અપાય તેનો પણ અમને વાંધો નથી હાલ ચાલતી પ્રવૃત્તિથી અમને સતત ચિંતા રહેતી હોય છે આ રજૂઆત દરમિયાન આમ આદમી પાર્ટીના અગ્રણીઓ પણ સ્થાનિક રહેવાસીઓ સાથે જોડાયા હતા. રહેવાસી રવિ પૂર્ણાની અને મેઘા શાહે જણાવ્યું હતું કે ટૂંકા ગાળે રહેવા આવનારી અજાણ્યાઓની વધતી અવરજવરથી વિસ્તારમાં શંકાશીલ પ્રવૃત્તિઓ વધી રહી છે, પરંતુ વારંવારની રજૂઆત છતાં કોઈ પગલા લેવાતા નથી, જેના કારણે આજે તેઓને પાલિકા સુધી આવવું પડ્યું છે.
