વડોદરાના મકરપુરા જામ્બુવા બ્રિજ નજીક ડિકમ્પોઝ હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઝાડી ઝાંકરાના વિસ્તારમાં ઝાડ પર લટકેલી સ્થિતિમાં મૃતદેહ જોવા મળતા તાત્કાલિક જાગૃત નાગરિકે 112 પર જાણ કરી હતી. માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહ સંપૂર્ણપણે ડિકમ્પોઝ હાલતમાં હોવાથી તેની ઓળખમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. આ ઘટના આત્મહત્યા છે કે હત્યા—તે બાબતે અનેક સવાલો ઊભા થતા પોલીસ તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસે મૃતદેહ મળેલા સ્થળની આસપાસ ચાલી રહેલી સાઇટ પર સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને ત્યાં કાર્યરત લોકોની પૂછપરછ પણ કરી હતી. ઘટનાસ્થળેથી મળેલી વિગતો અને પ્રાથમિક તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.હાલમાં પોલીસ FSL રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેના આધારે ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શકશે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસને વધુ તેજ બનાવી દેવામાં આવી છે.
